નાની ભૂલ માટે હવે જેલના ચક્કર નહીં! કેન્દ્ર સરકાર લાવ્યું છે જન વિશ્વાસ બિલ, જાણો કયા 78 કાયદામાં થશે મોટો ફેરફાર
ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર 'જન વિશ્વાસ (સંશોધન) વિધેયક' લાવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય ટેકનિકલ ભૂલો કે નાની ચૂક માટે અત્યાર સુધી પ્રવર્તતી જેલની સજાની જોગવાઈઓને નાબૂદ કરવાનો છે. આ બિલનો પાયાનો મંત્ર 'શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ' તેવો રાખવામાં આવ્યો છે.જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે જેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને 'અપરાધ' ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે.
દેશમાં એવા અનેક કાયદાઓ અમલમાં હતા જેમાં નજીવી અને બિન-નુકસાનકારક ભૂલ માટે પણ જેલની સજાની જોગવાઈ હતી. આ બિલ આવી કઠોર જોગવાઈઓને હટાવીને તેને માત્ર આર્થિક દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. આ બિલના અમલીકરણથી વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ નોંધપાત્ર રીતે ઓછો થશે. જેલની સજા ખતમ થવાનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે, પરંતુ આ છૂટછાટ માત્ર પ્રક્રિયાગત અને ટેકનિકલ ભૂલો પર જ લાગુ પડશે.
પ્રથમ વખત ભૂલ કરનાર નાગરિક કે વેપારીને પોતાની ભૂલ સુધારવાની એક વાજબી તક મળશે. નવા સુધારા મુજબ, નાની ભૂલો માટે જેલ મોકલવાને બદલે માત્ર આર્થિક દંડ, લેખિત ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરશે, તો જ દંડની રકમમાં વધારો કરવામાં આવશે. આ પ્રક્રિયાથી ન્યાયતંત્રમાં પારદર્શિતા આવશે અને લોકોમાં કાયદા પ્રત્યેનો ખોટો ભય દૂર થશે. આ બિલનો સૌથી મોટો ફાયદો 'ઇન્સ્પેક્ટર રાજ' પર લગામ કસવામાં જોવા મળશે. અત્યાર સુધી અમુક અધિકારીઓ પાસે અમર્યાદિત સત્તાઓ હતી, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરવાની ધમકી આપી શકતા હતા.
જ્યારે નાના ઉલ્લંઘનો હવે અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની આવી મનમાની આપોઆપ અટકી જશે અને ભ્રષ્ટાચારના અવકાશમાં ઘટાડો થશે. કાયદાકીય પ્રક્રિયાના સરળીકરણ માટે હવે ઘણા કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે. આનાથી ન્યાયતંત્ર પર વર્ષોથી ચાલી આવતા કેસોનું ભારણ ઘટશે અને સમયનો બચાવ થશે. આ વ્યવસ્થા 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' અને 'ઈઝ ઓફ લિવિંગ'ના સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવશે તેવું માનવામાં આવે છે.
સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓની 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાઈઝ કરવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ એક્ટ, ઈલેક્ટ્રિસિટી એક્ટ, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, MSME ડેવલપમેન્ટ એક્ટ, RBI એક્ટ અને લીગલ મેટ્રોલોજી એક્ટ જેવા મહત્વના કાયદાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ટૂંક સમયમાં આ સંશોધિત બિલને લોકસભામાં ચર્ચા માટે રજૂ કરશે. અગાઉ સિલેક્ટ કમિટીએ 1000 થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી હતી. આગામી સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે, ત્યારબાદ ભારતની કાનૂની વ્યવસ્થામાં એક નવા યુગની શરૂઆત થશે.