April 3, 2026
ભારત

બંગાળમાં કાયદો-વ્યવસ્થા કથળી: જજોને નવ કલાક સુધી બંધક બનાવી રાખતા વિવાદ, સમગ્ર દેશમાં ચર્ચા

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બંગાળમાં કાયદો-વ્યવસ્થા કથળી: </strong></span>જજોને નવ કલાક સુધી બંધક બનાવી રાખતા વિવાદ, સમગ્ર દેશમાં ચર્ચા</p>

ચૂંટણી ટાણે પશ્ચિમ બંગાળના માલદામાં એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. મતદાર યાદીમાંથી નામ રદ થવાના મુદ્દે ઉશ્કેરાયેલા ટોળાએ વેરિફિકેશન પ્રક્રિયામાં સામેલ સાત ન્યાયિક અધિકારીઓને સતત નવ કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. આ ઘટનાના પડઘા છેક સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા છે, જ્યાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે બંગાળની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશમાં અમે આટલું વિભાજિત રાજ્ય ક્યારેય જોયું નથી. સમગ્ર વિવાદની વિગત મુજબ, પશ્ચિમ બંગાળમાં 63 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 60 લાખની તપાસ ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટના આદેશથી આ વેરિફિકેશન પ્રક્રિયામાં જજોને સામેલ કરવામાં આવ્યા છે, માલદામાં જ્યારે સાત જજો પુરાવાઓની ખરાઈ કરવા પહોંચ્યા ત્યારે હજારો લોકોના ટોળાએ બીડીઓ ઓફિસનો ઘેરાવ કર્યો હતો. જજો સાથે મુલાકાત ન થતા ઉશ્કેરાયેલા લોકોએ ત્રણ મહિલા જજ સહિત સાત અધિકારીઓને સાંજે 4 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી ઓરડામાં કેદ કરી દીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે, કલાકો સુધી જજો બંધક હોવા છતાં સ્થાનિક પ્રશાસન કે પોલીસ હરકતમાં આવી નહોતી.

અંતે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સીધી દખલ બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ જ્યારે જજોને સુરક્ષિત બહાર કાઢી રહી હતી ત્યારે ભીડે પોલીસના વાહનો પર ભારે પથ્થરમારો કર્યો હતો અને નેશનલ હાઈવે નંબર 12 પર અવરોધો ઊભા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આ ઘટના જજોનું મનોબળ તોડવા માટે ઇરાદાપૂર્વક અંજામ આપવામાં આવી હતી. સ્થાનિક કલેક્ટર કે રાજનેતાઓ સ્થળ પર કેમ નહોતા? કોર્ટે રાજ્યના પોલીસ વડા અને મુખ્ય સચિવને કારણ બતાવો નોટિસ ફટકારી છે.

બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મામલે વિચિત્ર બચાવ કરતા કહ્યું હતું કે તેમને આ ઘટનાની જાણ જ મોડી રાતે એક પત્રકાર દ્વારા થઈ હતી. મમતાએ દાવો કર્યો હતો કે હાલમાં રાજ્યની મશીનરી અને પોલીસ ચૂંટણી પંચના હાથમાં છે, જે માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રીનું સાંભળે છે. તેમણે આ ઘટનાને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભાજપ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે આવા પ્રયાસો કરી રહ્યું છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અસરથી કેટલાક મહત્વના આદેશો જારી કર્યા છે. બંગાળમાં SIR પ્રક્રિયામાં સામેલ તમામ 700 થી વધુ જજો અને તેમના પરિવારની સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત, હવેથી જ્યારે પણ મતદારોના વાંધાઓ પર સુનાવણી થાય ત્યારે સ્થળ પર માત્ર 2 થી 5 વ્યક્તિઓને જ પ્રવેશ આપવાની તકેદારી રાખવા પોલીસને કડક સૂચના આપવામાં આવી છે. આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ન્યાયતંત્રની સુરક્ષા અને લોકશાહી મૂલ્યો પર મોટા સવાલો ઊભા કર્યા છે

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર એવા વહેમમાં ન રહે કે કોર્ટ અંધારામાં છે, રાત્રે 2 વાગ્યા સુધી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી. આ હુમલા પાછળના અસલી માસ્ટરમાઈન્ડ કોણ છે અને શું આ ખરેખર રાજકીય પ્રેરિત કાવતરું હતું, તે સત્ય બહાર આવશે.