જૂનાગઢનો ચકચારી હત્યા કેસ: સુપ્રીમે સૂરજ ભુવાજી સહિત ચારના જામીન ફગાવ્યા, સરેન્ડર કરવા આદેશ
જ્યારે આસ્થા અને વિશ્વાસના નામે કોઈ વ્યક્તિ પોતાની મર્યાદા ઓળંગીને ગુનાહિત માર્ગે વળે છે, ત્યારે તે સમાજ માટે સૌથી મોટું જોખમ બની જાય છે. પ્રેમ અને સંબંધોમાં જ્યારે કાવતરું અને હિંસા પ્રવેશે છે, ત્યારે માત્ર એક જીવ જ નથી જતો, પરંતુ માનવીય સંવેદનાઓ પણ મરી પરવારે છે.
જૂનાગઢની 22 વર્ષીય યુવતીની કરપીણ હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ સૂરજ ભુવાજી અને તેના સહ-આરોપીઓને આપેલા જામીન સર્વોચ્ચ અદાલતે રદ કરી દીધા છે. ફરિયાદી પક્ષ અને રાજ્ય સરકારની અપીલને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે આરોપીઓને 04 અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
મે, 2023 માં જૂનાગઢના B ડિવિઝન પોલીસ મથકે સૂરજ ભુવાજી સહિત 08 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. પરિણીત સૂરજ ભુવાજી મૃતક યુવતી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. જોકે, બંને વચ્ચે તકરાર થતા યુવતીએ સૂરજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખી સૂરજ ભુવાજીએ પોતાના મિત્રો સાથે મળીને યુવતીની હત્યાનું આયોજન કર્યું હતું.
પોલીસને ગેરમાર્ગે દોરવા રચાયું હતું ડ્રામા
આરોપીઓએ અત્યંત ઠંડા કલેજે હત્યાને અંજામ આપ્યો હતો. યુવતીને અમદાવાદ લઈ જવાનું બહાનું કાઢી રસ્તામાં ખેતર પાસે ગાડી ઊભી રાખી મિત શાહે ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાદમાં લાશ પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દેવામાં આવી હતી. પોલીસને છેતરવા માટે એક સહ-આરોપીને મૃતક યુવતીનો દુપટ્ટો ઓઢાડી અમદાવાદના CCTV કેમેરા સામે પસાર કરાયો હતો. યુવતીના ફોનથી સૂરજને વોટ્સએપ મેસેજ કરીને એવું દર્શાવવાનો પ્રયાસ થયો હતો કે યુવતી ક્યાંક જતી રહી છે.
સુપ્રીમ કોર્ટનું કડક વલણ
ગુજરાત હાઈકોર્ટે ચાર્જશીટ બાદ ટ્રાયલમાં વિલંબના આધારે આરોપીઓને જામીન આપ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર અને ક્રૂર છે. આરોપીઓએ તપાસ એજન્સીને ગેરમાર્ગે દોરવા અને પુરાવા નાશ કરવાના પ્રયાસો કર્યા છે. ગુનાની ગંભીરતા જોતા જામીન આપી શકાય નહીં. હવે સૂરજ ભુવાજી, મુકેશ સોલંકી, ગુંજન જોશી અને મિત શાહે જેલના સળિયા પાછળ જવું પડશે. આ કેસમાં 70 જેટલા સાહેદોની જુબાનીઓ અત્યંત મહત્વની સાબિત થશે.