જસ્ટિસ યશવંત વર્માનું રાજીનામું: 'બળેલી નોટો'ના વીડિયોએ ખુરશી છીનવી!

નોટોના બંડલો, રહસ્યમય આગ અને આખરે રાજીનામું! જસ્ટિસ યશવંત વર્માએ વિવાદોથી કંટાળીને હાઈકોર્ટ જજનું પદ ત્યાગ્યું છે. ₹500ની બળેલી નોટોના વાયરલ વીડિયો અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો બાદ સંસદ તેમને પદ પરથી હટાવે તે પહેલા જ તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું મોકલી આપી, આ પ્રકરણ પર હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકી દીધું છે. અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ આજે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારના ગંભીર આરોપો અને વિવાદોમાં ઘેરાયેલા જસ્ટિસ વર્માએ આખરે ન્યાયતંત્રમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે.
આ સમગ્ર વિવાદ માર્ચ 2025માં શરૂ થયો હતો, જ્યારે જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવતા હતા. તેમના સત્તાવાર નિવાસસ્થાને લાગેલી આગ બુઝાવવા ગયેલા ફાયર બ્રિગેડના જવાનોને ત્યાંથી રૂ.500ના દરની અડધી બળેલી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ દેશભરના ન્યાયતંત્રમાં સોંપો પડી ગયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે કડક વલણ અપનાવ્યું હતું. ત્રણ જજોની ઇન-હાઉસ તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા સામેના આક્ષેપોમાં પ્રાથમિક તથ્ય હોવાનું સ્વીકાર્યું હતું.
તપાસ દરમિયાન સંતોષકારક ખુલાસો ન મળતા એપ્રિલ 2025માં તેમની બદલી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં કરી દેવામાં આવી હતી. અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર થયા હોવા છતાં, સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર તેમને કોઈ પણ ન્યાયિક કામગીરી સોંપવામાં આવી નહોતી. તેઓ લાંબા સમયથી 'વેઈટિંગ'માં હતા અને ન્યાયતંત્રમાં તેમની હાજરી માત્ર પ્રોટોકોલ પૂરતી મર્યાદિત રહી હતી. જસ્ટિસ વર્માએ અગાઉ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેના પગલે સંસદમાં તેમને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની હિલચાલ તેજ થઈ હતી.
જજ ઇન્કવાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિની રચના થતા જ તેમની મુશ્કેલીઓ વધી હતી. આ પ્રકરણથી ભારતીય ન્યાયતંત્રની છબી પર મોટા પ્રશ્નાર્થો ઊભા થયા હતા. જસ્ટિસ વર્માના રાજીનામા બાદ હવે ન્યાયતંત્રમાં પારદર્શિતા અને જજોની જવાબદેહી અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે. આગામી દિવસોમાં આ મામલે તપાસ એજન્સીઓ નોટોના સ્ત્રોત અંગે વધુ તપાસ કરે તેવી શક્યતા છે.