April 9, 2026
ગુજરાત

શાતિર ચોરની ધરપકડ : કડોદરા GIDC પોલીસે ખરભાસી ગામની મશીનરી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો, મુદ્દામાલ સાથે એક ઝડપાયો

09:50:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શાતિર ચોરની ધરપકડ : </strong></span>કડોદરા GIDC પોલીસે ખરભાસી ગામની મશીનરી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો, <strong>મુદ્દામાલ સાથે એક ઝડપાયો</strong></p>

સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ મથકની હદમાં આવતા ખરભાસી (ડાંભા) ગામની સીમમાં તાજેતરમાં થયેલી લાખોની મત્તાની ચોરીના મામલે પોલીસે સપાટો બોલાવ્યો છે. ગત 6 એપ્રિલ, 2026ના રોજ ખરભાસી ગામની સીમમાં કાર્યરત 'યશ્રી કન્ટ્રક્શન' નામના ફ્લાય એશ બ્રિક પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. આ પ્લાન્ટમાંથી મોડી રાત્રે અજાણ્યા શખ્સો પ્લાન્ટના મશીનમાં લગાવેલી કિંમતી ઇલેક્ટ્રિક મોટરો અને સુરક્ષા માટે લગાવેલા CCTV કેમેરા સહિત કુલ ₹42,200/- ની મત્તા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવ અંગે પ્લાન્ટના માલિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા કડોદરા GIDC પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની સતત તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનકસિંહ પ્રવિણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગફુરભાઇને એક સચોટ બાતમી મળી હતી કે, ચોરી કરેલો મુદ્દામાલ એક લોડિંગ રિક્ષામાં ભરીને એક ઈસમ વાંકાનેડા તરફથી વરેલી પાટિયા તરફ આવી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક વરેલી પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ જણાતી બ્લુ કલરની અતુલ લોડિંગ રિક્ષાને કોર્ડન કરી અટકાવી હતી. રિક્ષાની તલાશી લેતા તેમાંથી ચોરી થયેલી ભારેખમ મોટરો અને CCTV કેમેરા મળી આવ્યા હતા. પોલીસે રિક્ષા ચાલક પપ્પુ શાંતીભાઈ જીવાભાઇ સોલંકી (ઉંમર 32 વર્ષ, રહે. કડોદરા, મૂળ કલોલ, ગાંધીનગર)ની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે પોતાના સાગરીતો કિશન અને રવી સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ ₹77,200/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલ સામાનમાં 7.5 HPની બે પેન મિક્સર મોટર, 2 HPની એક કન્વેયર બેલ્ટ મોટર, ત્રણ સ્માર્ટ નેટ કંપનીના CCTV કેમેરા, મેમરી કાર્ડ, વાઇફાઇ રાઉટર અને ગુનામાં વપરાયેલી અતુલ કંપનીની બ્લુ કલરની લોડિંગ રિક્ષા (નંબર-GJ-05-AZ-1960)નો સમાવેશ થાય છે. હાલ પોલીસે પપ્પુ સોલંકીની વિધિવત ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય બે આરોપીઓ કિશન અને રવીને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખતા સ્થાનિક ઉદ્યોગકારો અને રહીશોમાં પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ અન્ય કોઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ.