April 1, 2026
ગુજરાત

મિડલ ઇસ્ટ યુદ્ધની અસર કંડલા-મુન્દ્રા પોર્ટ સુધી પહોંચી : ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભાડામાં 20% નો વધારો, સ્થિતિ સુધર્યા બાદ જ રાહત મળશે... 

03:26:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મિડલ ઇસ્ટ યુદ્ધની અસર કંડલા-મુન્દ્રા પોર્ટ સુધી પહોંચી :</strong></span> ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભાડામાં 20% નો વધારો, સ્થિતિ સુધર્યા બાદ જ રાહત મળશે... </p>

પશ્ચિમ એશિયાના દેશોમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે સરહદી જિલ્લા કચ્છના પરિવહન ઉદ્યોગ સુધી પહોંચી ગઈ છે, જેના પરિણામે કંડલા અને મુન્દ્રા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માલભાડામાં 20 ટકાનો મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને સ્પેરપાર્ટસના ભાવમાં જે ઉછાળો આવ્યો છે, તેની સીધી અસર સ્થાનિક ટ્રાન્સપોર્ટરો પર પડી રહી હોવાથી આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. ખાસ કરીને ઉદ્યોગોમાં વપરાતા ડીઝલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ટ્રાન્સપોર્ટરો માટે જૂના ભાવે વાહનો ચલાવવા હવે આર્થિક રીતે પરવડે તેમ નથી, જેના કારણે એસોસિએશને તાત્કાલિક અસરથી ભાડાના દરોમાં સુધારો કર્યો છે.

આ ભાડા વધારા પાછળ માત્ર ઈંધણ જ નહીં, પરંતુ વાહનોની જાળવણીના ખર્ચમાં થયેલો વધારો પણ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટાયર અને વાહનોના સ્પેરપાર્ટસની કિંમતોમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી છે, જેનાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર આર્થિક બોજ વધ્યો છે. જો આ સમયે ભાડામાં વધારો કરવામાં ન આવે તો પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ટ્રાન્સપોર્ટરોએ વેપારીઓ અને ગ્રાહકોને આશ્વાસન આપતા એવું પણ જણાવ્યું છે કે આ વધારો કાયમી નથી. 

મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ કાબૂમાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચીજવસ્તુઓના ભાવ સામાન્ય સ્તરે પરત ફરશે, ત્યારે એસોસિએશન દ્વારા આ નિર્ણયની પુનઃ સમીક્ષા કરવામાં આવશે અને વધારાયેલા ભાડા પાછા ખેંચવાની દિશામાં હકારાત્મક પગલાં લેવામાં આવશે. ત્યાં સુધી માલસામાનની હેરફેર માટે ઉદ્યોગપતિઓએ વધારાના ભાડાનો બોજ સહન કરવો પડશે.