કંગના રનૌતે 'ક્વીન 2' માટે કમર કસી, આ મહિને મુંબઈમાં ગુંજશે 'એક્શન' અને 'કટ'
બોલિવૂડમાં 2014માં ધૂમ મચાવનાર અને કંગના રનૌતને રાતોરાત સુપરસ્ટાર બનાવનાર ફિલ્મ 'ક્વીન'ની સિક્વલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કંગના રનૌત પોતાની આ પ્રતિષ્ઠિત ફિલ્મની સિક્વલ 'ક્વીન 2' નું શૂટિંગ ચાલુ વર્ષે એપ્રિલ મહિનાના અંત સુધીમાં શરૂ કરવા જઈ રહી છે. વિકાસ બહલના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મ ફરી એકવાર પ્રેક્ષકોને મનોરંજનના નવા સ્તરે લઈ જશે.
મૂળ ફિલ્મમાં રાની નામની યુવતી પેરિસ અને એમ્સ્ટરડેમ જેવા વિદેશી શહેરોમાં એકલી હનીમૂન પર જાય છે, પરંતુ 'ક્વીન 2'માં વાર્તામાં મોટો વળાંક લેવામાં આવ્યો છે. આ વખતે કંગના વિદેશ ભ્રમણને બદલે ભારત ભ્રમણ કરતી જોવા મળશે.
વાર્તામાં આ વખતે રાની નાના શહેરની મધ્યમવર્ગીય યુવતીને બદલે મોટા શહેરની એક આધુનિક અને આત્મવિશ્વાસુ યુવતીના રોલમાં દેખાશે. ફિલ્મના શૂટિંગની શરૂઆત મુંબઈના એક જાણીતા સ્ટુડિયોથી કરવામાં આવશે. અહીં ઉત્તર ભારતના એક શહેરનો આબેહૂબ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈમાં પ્રથમ શિડ્યુલ પૂર્ણ કર્યા બાદ ફિલ્મની ટીમ ભારતના અન્ય વિભિન્ન શહેરોમાં શૂટિંગ માટે જશે. સમગ્ર ફિલ્મનું શૂટિંગ માત્ર ૩ મહિનામાં જ આટોપી લેવાનું આયોજન નિર્માતા દ્વારા કરવામાં આવ્યું છે. મૂળ ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ જ આ સિક્વલનું સુકાન સંભાળી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે.
જોકે, આ વખતે સપોર્ટિંગ કાસ્ટ (અન્ય કલાકારો) જૂના ફિલ્મની સરખામણીએ નવા હોવાની શક્યતા છે, જે વાર્તાને એક નવો ફ્રેશ લુક આપશે. 'ક્વીન' ફિલ્મે કંગનાને રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતો અને તેને બોલિવૂડની 'ક્વીન' બનાવી દીધી હતી. હવે ૧૦ વર્ષ બાદ, આ આધુનિક રાનીની મુસાફરી કેવી રહેશે તે જોવું પ્રેક્ષકો માટે રસપ્રદ રહેશે.