છત્તીસગઢના કાંકેરમાં 8 લાખના ઈનામી 2 નક્સલીઓનું AK-47 સાથે આત્મસમર્પણ, હિંસાનો માર્ગ છોડ્યો
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં આજે બે ખુંખાર નક્સલીઓએ પોલીસ સમક્ષ હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. શરણાગતિ માટેની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થવા આડે ગણતરીના કલાકો બાકી હતા, ત્યારે 8 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા આ બંને નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવાનો નિર્ણય લીધો છે.
PPCM શંકર અને PM હિદમા ડોડીએ AK-47 પોલીસને સોંપી
પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકેર જિલ્લામાં મંગળવારે PPCM શંકર અને PM હિદમા ડોડી નામના બે માઓવાદી કેડરોએ પોતાની AK-47 રાઇફલ સાથે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. કાંકેરના એસપી નિખિલ રાખેચાએ આ શરણાગતિની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ બંને નક્સલીઓને પકડવા માટે પ્રશાસન દ્વારા કુલ 8 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
5 દિવસમાં 11 નક્સલીઓનું આત્મસમર્પણ, જંગલોમાં હજુ 15 સક્રિય
એસપી નિખિલ રાખેચાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા 5 દિવસમાં કુલ 9 નક્સલી કેડરોએ હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. આ જ ક્રમમાં આજે 31 માર્ચે વધુ 2 સભ્યોએ હથિયાર હેઠા મૂકતા આ આંકડો 11 પર પહોંચ્યો છે. જોકે, કાંકેર-દંતેવાડા ક્ષેત્રના જંગલોમાં હજુ પણ આશરે 15 જેટલા નક્સલીઓ સક્રિય છે. જેમાં ચંદર અને રૂપી નામના બે મુખ્ય કેડર પર સુરક્ષા દળોના સર્ચ ઓપરેશનનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શરણાગતિ સ્વીકારનારા માઓવાદીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, વિસ્તારમાં સક્રિય અન્ય કેડરોનો સંપર્ક કરી તેમને પણ મુખ્ય પ્રવાહમાં લાવવાના સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.
શરણાગતિ માટે માત્ર ગણતરીના કલાકો બાકી: આઈજી સુંદરરાજ
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પટ્ટલિંગમે 25 માર્ચથી 31 માર્ચ સુધીમાં 11 માઓવાદીઓના આત્મસમર્પણના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે નક્સલીઓને અપીલ કરતા કહ્યું હતું કે, માઓવાદી કેડર પાસે હવે શરણાગતિ અને પુનર્વસન વચ્ચે પસંદગી કરવા માટે માત્ર થોડા જ કલાકો બાકી છે. તેમણે આ તકનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને શાંતિપૂર્ણ તથા ગૌરવપૂર્ણ જીવન જીવવું જોઈએ.
પોલીસ અને વહીવટીતંત્રને આશા છે કે આગામી થોડા કલાકોમાં જંગલોમાં છુપાયેલા બાકીના નક્સલીઓ પણ હથિયાર મૂકીને મુખ્ય પ્રવાહમાં પાછા આવી શકે છે. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓની સરકારી નિયમો મુજબ પુનર્વસન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને સમાજમાં ફરીથી ગૌરવભેર પ્રસ્થાપિત કરવામાં આવશે.