આર.કે. સ્ટુડિયોના પુનરુદ્ધારની અટકળો પર કરીના કપૂરનું પૂર્ણવિરામ: કહ્યું....
હિન્દી સિનેમાના ઇતિહાસમાં 'આર.કે. સ્ટુડિયો' માત્ર એક પ્રોડક્શન હાઉસ નથી, પરંતુ એક ભવ્ય વારસો છે. શો-મેન રાજ કપૂર દ્વારા સ્થાપિત આ બેનરે ભારતીય ફિલ્મ જગતને અનેક ક્લાસિક ફિલ્મો આપી છે. જ્યારે પણ કપૂર પરિવારના કોઈ સભ્ય દ્વારા નવી મિલકત ખરીદવામાં આવે અથવા નવા પ્રોજેક્ટની જાહેરાત થાય, ત્યારે ચાહકોમાં આ ઐતિહાસિક બેનર ફરી શરૂ થવાની આશા જાગતી હોય છે.
શું રણબીર કપૂર આર.કે. બેનર રિવાઈવ કરી રહ્યો છે?
તાજેતરમાં રણબીર કપૂરે મુંબઈમાં એક વિશાળ કમર્શિયલ સ્પેસની ખરીદી કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા અને બોલિવૂડ વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે તે આર.કે. સ્ટુડિયોના બેનરને ફરી જીવંત કરવા જઈ રહ્યો છે. એવી પણ અફવા હતી કે તેણે આ માટે સ્ક્રિપ્ટ અને કલાકારોની પસંદગી કરી લીધી છે. જોકે, કરીના કપૂરે આ તમામ વાતોને પાયાવિહોણી ગણાવી છે.
કરીના કપૂરની સ્પષ્ટતા
એક સંવાદ દરમિયાન કરીનાએ આ મુદ્દે ખુલીને વાત કરી હતી. કરીનાએ જણાવ્યું કે રણબીર અત્યંત પ્રતિભાશાળી અભિનેતા છે અને હાલ તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર તેની એક્ટિંગ કરિયર પર જ છે. કપૂર પરિવારના ફેમિલી ગ્રુપમાં પણ આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે. કરીનાના મતે, પરિવારમાં માત્ર રણબીર અને કરિશ્મા જ આ બાબતે પહેલ કરી શકે તેમ છે, પરંતુ હાલમાં આવી કોઈ યોજના નથી.કરીનાએ સ્પષ્ટ કર્યું કે તેનામાં ડાયરેક્ટર કે પ્રોડ્યુસર બનવાની ક્ષમતા નથી. તેણે ઉદાસી સાથે સ્વીકાર્યું કે નજીકના ભવિષ્યમાં આર.કે. બેનર પુનર્જીવિત થવાની કોઈ શક્યતા દેખાતી નથી.