'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 5' માં કરિશ્મા કપૂરની જજ તરીકે વાપસી: 9 મેથી શરૂ થશે ડાન્સનો નવો સંગ્રામ

ડાન્સ રિયાલિટી શોના ચાહકો માટે એક સારા સમાચાર છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર ફરી એકવાર લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' ની 5 મી સીઝનમાં જજ તરીકે પરત ફરી રહી છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થનારા આ શોની નવી સીઝનનું પ્રીમિયર આગામી 9 મેના રોજ થવા જઈ રહ્યું છે.
પ્રોમો રિલીઝ: કરિશ્માએ નવા અંદાજમાં 'બેસ્ટ' ને પારખવાનો વ્યક્ત કર્યો ઉત્સાહ
ચેનલ દ્વારા તાજેતરમાં 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 5' નો નવો પ્રોમો રિલીઝ કરીને 9 મેની તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ પ્રોમોમાં કરિશ્મા કપૂરનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. શો વિશે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, "હું નવા અંદાજમાં શ્રેષ્ઠને વ્યાખ્યાયિત કરીશ. ડાન્સની કહાની આ વખતે નવી હશે... આ વખતે મારી સાથે મંચ પર શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ ટેલેન્ટ જોવા મળશે."
'ઇન્ડિયન આઇડલ' ના મંચ પરથી નવી સીઝનની વિશેષ જાહેરાત
કરિશ્મા કપૂર તાજેતરમાં સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ' ના 50 મા 'ગોલ્ડન એપિસોડ' ની ઉજવણીમાં હાજરી આપવા પહોંચી હતી. આ મંચ પરથી જ તેમણે પોતાના ડાન્સ શોની આગામી સીઝનનું લોન્ચિંગ કર્યું હતું. આ તકે તેમણે આનંદ વ્યક્ત કરતા પોતાને ઇન્ડિયન આઇડલની 'અનઓફિશિયલ ચોથી જજ' ગણાવી હતી. કરિશ્માએ નવી સીઝનની ખાસિયત જણાવતા કહ્યું કે, "આ સીઝનની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે તેમાં 'ઈન્ડિયાવાલા ડાન્સ એટલે કે આપણો પોતાનો ડાન્સ' જોવા મળશે."
જજિંગ પેનલ અને દર્શકો સમક્ષ ગીતા કપૂરની અપીલ
ઇન્ડિયન આઇડલના મંચ પર આ ઉજવણી કાર્યક્રમમાં કરિશ્માની સાથે કોરિયોગ્રાફર ગીતા કપૂર પણ જોડાયા હતા. ગીતા કપૂરે મંચ પરથી દર્શકોને ભાવનાત્મક અપીલ કરતા કહ્યું હતું કે, "મહેરબાની કરીને તમે જેટલો પ્રેમ ઇન્ડિયન આઇડલને આપો છો, તેટલો જ પ્રેમ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને પણ આપજો, આ અમારી પ્રાર્થના છે."
ઉલ્લેખનીય છે કે, અગાઉની સીઝનમાં પણ જજિંગ પેનલ પર કરિશ્મા કપૂર, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસની લોકપ્રિય ત્રિપુટી જોવા મળી હતી.