કર્ણાટકની ધારવાડ જેલમાંથી POCSO આરોપીએ સગીરાને વીડિયો કોલ કરી ધમકી આપી, નેહા હિરેમથ જેવી હાલત કરવાની આપી ધમકી
કર્ણાટકના ધારવાડ સેન્ટ્રલ જેલમાં બંધ પોક્સો એક્ટ હેઠળના એક આરોપીએ જેલની અંદરથી જ સગીર પીડિતાને મોબાઈલથી વીડિયો કોલ કરીને ધમકાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ પીડિતાને કોર્ટમાં પોતાની તરફેણમાં નિવેદન આપવા દબાણ કર્યું હતું અને તેનો ખાનગી વીડિયો વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેલમાંથી વીડિયો કોલ, હાથ પર કોતરેલું નામ બતાવ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ધારવાડ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હોવા છતાં તેની પાસે ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનની સુવિધા ઉપલબ્ધ હતી. તેણે જેલમાંથી જ સગીર પીડિતાને વીડિયો કોલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વાતચીતના વીડિયો ફૂટેજમાં આરોપી પોતાના હાથ પર કોતરેલું પીડિતાનું નામ બતાવતો જોવા મળે છે. આરોપી અને પીડિતા અલગ-અલગ સમુદાયના હોવાથી આ ઘટનાએ કોમી સ્વરૂપ પણ ધારણ કર્યું છે, જેનાથી સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે.
'નેહા હિરેમથ જેવી હાલત કરીશ' તેવી ખતરનાક ધમકી
આરોપીએ સગીરાને વારંવાર કોલ કરીને માનસિક ત્રાસ આપ્યો હતો. તેણે પીડિતાને ધમકાવતા કહ્યું હતું કે તે કોર્ટની કાર્યવાહીમાં તેની તરફેણમાં જુબાની આપે અને પોતે તેના પ્રેમમાં છે તેવું નિવેદન નોંધાવે. એટલું જ નહીં, આરોપીએ એવી પણ ખતરનાક ધમકી આપી હતી કે જો પીડિતા તેની વાત નહીં માને તો તેની હાલત પણ હુબલ્લીની કોલેજ વિદ્યાર્થિની નેહા હિરેમથ જેવી થશે, જેની તેના પ્રેમી ફયાઝ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આરોપીએ સગીરાને તેનો એક ખાનગી વીડિયો વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી.
પરિવારનો રોષ, આરોપીની વિજયપુરા જેલમાં ટ્રાન્સફર
સુરક્ષામાં થયેલી આ ગંભીર બેદરકારી સામે પીડિતાના પરિવારે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારે ગત 11 માર્ચે આરોપી દ્વારા કરવામાં આવેલા વીડિયો કોલના પુરાવા પણ રજૂ કર્યા હતા. આ મામલે શ્રી રામ સેનાના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સત્તાવાળાઓ હરકતમાં આવ્યા હતા અને આરોપીને તાત્કાલિક અસરથી વિજયપુરા જેલમાં ટ્રાન્સફર કરી દીધો છે.
જેલ તંત્રની કામગીરી અને સુરક્ષા પર ઊભા થયા સવાલો
આ સમગ્ર ઘટનાક્રમે જેલ સંકુલમાં મોબાઈલ ફોનની ગેરકાયદેસર ઘૂસણખોરી અને જેલ સત્તાવાળાઓની લાપરવાહી પર મોટા સવાલો ઊભા કર્યા છે. નોંધનીય છે કે, અગાઉ પણ કર્ણાટકમાં બેંગલુરુ સહિત અન્ય વિસ્તારોમાં પોક્સોના આરોપીઓ દ્વારા જામીન પર છૂટ્યા બાદ પીડિતા કે તેના પરિવાર પર હુમલો કરવાના અને કેસ પાછો ખેંચવા માટે ધમકી આપવાના બનાવો સામે આવી ચૂક્યા છે. પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હવે જેલ પ્રશાસનની ભૂમિકાની પણ સઘન તપાસ કરી રહ્યા છે.