"ગુજરાતીઓનું અપમાન સહન નહીં થાય" : ખડગેના નિવેદન સામે ભાજપમાં રોષની જ્વાળા, વિશ્વ ગુજરાતી સમાજે દિલ્હીમાં વિરોધ કર્યો...
તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ગુજરાતીઓ સંદર્ભે જે 'અભણ' અને 'મૂર્ખ' જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેનાથી દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિશ્વ ગુજરાતી સમાજે દિલ્હીમાં એકઠાં થઈને આ નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો છે અને કોંગ્રેસની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતીઓની મહેનત, બુદ્ધિમતા અને પ્રબળ દેશપ્રેમ આજે વિશ્વભરમાં સ્વીકૃત છે, ત્યારે રાજકીય દ્વેષમાં આવીને સમગ્ર સમુદાયને ઉતારી પાડવાની આ ચેષ્ટા અત્યંત નિંદનીય ગણવામાં આવી રહી છે. ભાજપ પાર્ટીએ સવાલ કર્યો છે કે શું કોંગ્રેસને ખરેખર ગુજરાતીઓ સામે કોઈ વાંધો છે?
રાજકીય વિવાદ અને ઐતિહાસિક સંદર્ભો
આ વિવાદે હવે જૂના ઈતિહાસને પણ ફરી જીવંત કર્યો છે. ભાજપ પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલે જણાવ્યુ હતું કે નહેરુના સમયમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ સામે અમુક પ્રકારનો વિરોધ રાખવામાં આવતો હતો, અને આજે જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે ફરીથી ગુજરાતની ધરતીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેરળમાં ખડગે જે સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા તે રાહુલ ગાંધી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેવા પ્રશ્નો કર્યા હતા. અગાઉ પણ વિધાનસભા ચૂંટણીઓ વખતે પીએમ મોદીને ' 100 માથાવાળો રાવણ' કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા, જેનું પુનરાવર્તન હવે આ નવા નિવેદન દ્વારા થઈ રહ્યું હોય તેમ જણાય છે. ગુજરાતની ધરતીને વૈશ્વિક ઓળખ અપાવી એ કોંગ્રેસને પસંદ નથી ?
ગુજરાતના શહેરોમાં મૌન વિરોધ અને માફીની માંગ
ખડગેના આ વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ગઈકાલે અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મુખ્ય શહેરોમાં ભાજપ દ્વારા મૌન વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ 'ગુજરાતીઓ મૂર્ખ નથી' અને 'ગુજરાતી અસ્મિતા પર પ્રહાર સહન નહીં થાય' તેવા લખાણ ધરાવતા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. 12 વર્ષથી સત્તાથી વંચિત રહેલી કોંગ્રેસ હવે વ્યક્તિગત પ્રહારો પર ઉતરી આવી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. વિશ્વભરમાંથી ગુજરાતી સંગઠનો આ નિવેદન બદલ કોંગ્રેસ માફી માંગે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે, કારણ કે આ માત્ર એક વ્યક્તિનું નહીં પણ સમગ્ર ગુજરાતની જનતાના આત્મસન્માનનો પ્રશ્ન બની ગયો છે.