ગાંધીનગરમાં મહિલા એકાઉન્ટન્ટનું અપહરણ અને મારપીટ કેસ : 'આપ'ના પૂર્વ હોદ્દેદાર હસમુખ પટેલ સહિત 4ની અટકાયત
કોઈપણ કોર્પોરેટ કે વ્યાવસાયિક ક્ષેત્રમાં હિસાબી ગેરરીતિઓ સામે આવવી એ ગંભીર બાબત છે, પરંતુ જ્યારે આવી બાબતોને છુપાવવા માટે અપહરણ કે શારીરિક હુમલા જેવા ગુનાહિત રસ્તાઓ અપનાવવામાં આવે ત્યારે તે કાયદો અને વ્યવસ્થાના ચિંતનનો વિષય બને છે. પદ અને સત્તાનો દુરુપયોગ કરીને મહિલા કર્મચારીઓ પર કરવામાં આવતા આવા હુમલા સમાજમાં સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયા પ્રત્યેના પડકારોને દર્શાવે છે.
ગાંધીનગરના સેક્ટર 25 GIDC માં આવેલી HBC Life Science કંપનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંપનીની મહિલા એકાઉન્ટન્ટ દ્વારા આર્થિક ગેરરીતિઓ પકડી પાડવામાં આવતા, કંપની સંચાલકોએ તેમનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સેક્ટર 21 મહિલા પોલીસે આમ આદમી પાર્ટીના પૂર્વ સંગઠન મંત્રી હસમુખ પટેલ સહિત અન્ય ત્રણ શખ્સોની અટકાયત કરી છે.
₹85 લાખના બિનહિસાબી વ્યવહારોથી શરૂ થયો વિવાદ
ઘટનાની વિગતો મુજબ, મહિલા એકાઉન્ટન્ટ જ્યારે કંપનીનું ઓડિટ કરી રહી હતી, ત્યારે અંદાજે ₹85 લાખના એવા વ્યવહારો સામે આવ્યા હતા જેની કોઈ બિલ વગર ચૂકવણી કરવામાં આવી હતી. આ ગેરરીતિઓ પકડી પાડતા કંપનીના સંચાલકો અને મહિલા કર્મચારી વચ્ચે વિવાદ સર્જાયો હતો.
અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી
મહિલા એકાઉન્ટન્ટનો આરોપ છે કે ગત 26 માર્ચના રોજ કંપની સંચાલકો દ્વારા તેમનું બળજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તેમને માર મારવામાં આવ્યો હતો અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ અંગે પીડિત મહિલાએ હિંમત દાખવી સેક્ટર 21 મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી અને કલમોનો સકંજો
સેક્ટર 21 પોલીસે ફરિયાદના આધારે હસમુખ પટેલ અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આરોપીઓ પર BNS ની વિવિધ કલમો Section 137(2), 351(3), 352, 115(2), 61(1)A 54 હેઠળ ગુનો નોંધાયો.
નોંધનીય છે કે મુખ્ય આરોપી હસમુખ પટેલ વર્ષ 2020-21 દરમિયાન આમ આદમી પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકે કાર્યરત હતા. હાલમાં પોલીસ આ મામલે ઉંડી તપાસ કરી રહી છે કે આ આર્થિક કૌભાંડમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે.