ભાજપ -> કોંગ્રેસ -> ભાજપ: વડોદરાના કિરણસિંહ રાઠોડનો એક જ દિવસમાં હાઈ-વોલ્ટેજ પક્ષપલટો!

વડોદરા કોંગ્રેસે બતાવેલા ‘હથેળીમાં ચાંદ’ના વાયદાઓ 24 કલાક પણ ટકી શક્યા નહીં! વડોદરાના રાયકા ગામના નેતા કિરણસિંહ રાઠોડે પક્ષપલટાની એવી પલટી મારી છે કે બંને પક્ષના નેતાઓ ચકિત રહી ગયા છે. લાલચમાં આવી કોંગ્રેસનો હાથ પકડનારા કિરણસિંહને એક જ દિવસમાં સત્ય સમજાઈ જતાં, તેઓ ફરી ભાજપના શરણે આવ્યા છે, જેનાથી કોંગ્રેસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વડોદરા જિલ્લાના રાજકારણમાં છેલ્લા 24 કલાકમાં અભૂતપૂર્વ વળાંક જોવા મળ્યો છે. રાયકા ગામના નિવાસી અને વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ રાઠોડે કોંગ્રેસના તમામ વાયદાઓને ફગાવી દઈ, માત્ર એક જ દિવસમાં પુનઃ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કરી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
પુનઃ ભાજપમાં જોડાયા બાદ કિરણસિંહ રાઠોડે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ દ્વારા મને અનેક પ્રકારના ખોટા વાયદાઓ અને લાલચો આપવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસમાં જોડાયા બાદ મને તરત જ ભાન થયું કે ત્યાં માત્ર પોકળ વાતો છે. જે લાલચો આપવામાં આવી હતી તે ‘હથેળીમાં ચાંદ’ બતાવવા જેવી હતી, જે ક્યારેય પૂરી થવાની નહોતી.”પોતાની માતૃસંસ્થામાં પરત ફરતા કિરણસિંહે ભાજપની વિચારધારા પર અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ જ એક એવી પાર્ટી છે જે નાનામાં નાના માણસની ચિંતા કરે છે અને સતત વિકાસના કાર્યોમાં માને છે.
કોંગ્રેસમાં ગયેલો 24 કલાકનો સમય તેમના માટે સત્ય સમજવાનો અનુભવ રહ્યો હતો.કિરણસિંહ રાઠોડે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ ભાજપના શિસ્તબદ્ધ સૈનિક તરીકે જનસેવાનું કાર્ય ચાલુ રાખશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા લોકો તેને ‘પોલિટિકલ રિવર્સ સ્વીંગ’ તરીકે ઓળખાવી રહ્યા છે.