દૂધ વારંવાર ફાટી જાય છે? ઉનાળા માટે બેસ્ટ કિચન હેક્સ જે તમારા પૈસા બચાવશે

ઉનાળાની શરૂઆત થતાં જ રસોડામાં સૌથી મોટી સમસ્યા દૂધ સાચવવાની ઊભી થાય છે. ભીષણ ગરમી અને વધતા તાપમાનને કારણે સવારે લાવેલું તાજું દૂધ બપોર કે સાંજ સુધીમાં ફાટી જતું હોય છે અથવા તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. યોગ્ય સ્ટોરેજ અને સાવચેતીના અભાવે દૂધનો બગાડ થાય છે અને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું એક એવી અકસીર કિચન ટિપ્સ અને સરળ હેક્સ, જેનાથી તમારું દૂધ ભયંકર ગરમીમાં પણ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને ફાટશે નહીં.
જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ રસોડામાં દૂધ જેવી જીવનજરૂરી વસ્તુઓને સાચવવી એક મોટો પડકાર બની ગઈ છે. ઉનાળામાં ઊંચા તાપમાનને કારણે દૂધ ખૂબ જ ઝડપથી ખરાબ થઈ જતું હોય છે, જેના કારણે ગૃહિણીઓને આર્થિક નુકસાનની સાથે દૂધ વેડફાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગરમી વધવાની સાથે દૂધમાં રહેલા બેક્ટેરિયા અત્યંત ઝડપથી સક્રિય થાય છે. આ બેક્ટેરિયા દૂધમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધારે છે, જેને કારણે દૂધ સ્વાદમાં ખાટું થઈ જાય છે અને ગરમ કરતી વખતે તરત જ ફાટી જાય છે.
દૂધને ફ્રેશ રાખવાની અકસીર ટ્રીક
જો દૂધને લાંબા સમય સુધી ફ્રેશ રાખવું હોય, તો દૂધ ગરમ કરતી વખતે એક નાની ચમચી ખાંડ ઉમેરવાથી તે જલ્દી બગડતું નથી. આ એક અત્યંત સરળ અને અસરકારક કિચન હેક છે જે દૂધની શેલ્ફ લાઈફ વધારે છે. આ સિવાય ઘણા લોકો ચપટી ખાવાનો સોડા પણ ઉમેરતા હોય છે જે એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.
ખરીદી બાદ તુરંત ગરમ કરવું અનિવાર્ય
બજારમાંથી દૂધ લાવ્યા પછી તેને લાંબો સમય સુધી પેકેટ કે વાસણમાં એમનેમ ખુલ્લું રાખવાને બદલે તેને તાત્કાલિક ગરમ કરી લેવું જોઈએ. દૂધને એકવાર ઉકાળી લેવાથી તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે અને દૂધ ફાટવાની શક્યતા નહિવત્ થઈ જાય છે.
યોગ્ય સ્ટોરેજની રીત
દૂધ ગરમ કર્યા પછી તેને તરત જ ફ્રિજમાં રાખવાની ભૂલ ન કરવી જોઈએ. દૂધ સંપૂર્ણપણે ઓરડાના તાપમાને ઠંડું થઈ જાય પછી જ તેને ફ્રિજમાં મૂકવું જોઈએ. વારંવાર ફ્રિજમાંથી દૂધ બહાર કાઢીને રાખવાથી તેના તાપમાનમાં ફેરફાર થાય છે, જે દૂધને જલ્દી બગાડી શકે છે.
સ્વચ્છતા અને વાસણની કાળજી
દૂધ હંમેશા સાફ અને ઢાંકણવાળા વાસણમાં જ સ્ટોર કરવું જોઈએ. જે વાસણમાં દૂધ ગરમ કરવાનું હોય તે વાસણ બરાબર સાફ હોવું જરૂરી છે. જો વાસણમાં અગાઉના દૂધના અવશેષો રહી ગયા હોય તો નવું દૂધ પણ તરત જ ફાટી જવાની શક્યતા રહેલી છે.
ગૃહિણીઓ માટે ઉપયોગી સલાહ
ઉનાળામાં દૂધની બચત કરવા માટે તેને દિવસમાં ઓછામાં ઓછી બે થી ત્રણ વાર ગરમ કરવું હિતાવહ છે. જો ફ્રીજની સુવિધા ન હોય તો દૂધના વાસણને ઠંડા પાણી ભરેલા મોટા તપેલામાં રાખીને પણ તેને અમુક કલાકો સુધી ફાટતું અટકાવી શકાય છે. આ નાની નાની ટિપ્સ ગરમીમાં દૂધનો બગાડ અટકાવવામાં ખૂબ જ કારગત નીવડે છે.