રિંકુ સિંહની ડબલ ધમાલ: સરકારી નોકરી બાદ હવે KKR માં પણ પ્રોગ્રેસ
IPL 2026ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સએ એક ક્રાંતિકારી ફેરફાર કરતા ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહને નવા વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. મેદાન પર પાંચ છગ્ગા ફટકારીને અશક્યને શક્ય બનાવનાર રિંકુ હવે અજિંક્ય રહાણે સાથે મળીને ટીમનું નેતૃત્વ કરશે. બીજી તરફ, રિંકુને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા 'રીજનલ સ્પોર્ટ્સ ઓફિસર' તરીકે સરકારી નોકરીનું ગૌરવ પણ મળ્યું છે. આ સાથે જ KKR એ દિગ્ગજ ખેલાડી આન્દ્રે રસેલની જર્સી નંબર 12 ને રિટાયર કરી તેને 'પાવર કોચ' ની નવી જવાબદારી સોંપી છે, ટીમના સ્ટાર ફિનિશર અને ચાહકોના લાડકા રિંકુ સિંહને KKRના નવા વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ફ્રેન્ચાઈઝી દ્વારા આ પગલું ભવિષ્યના નેતૃત્વને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, રિંકુ હવે ટીમનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે, કોલકાતામાં આયોજિત 'નાઈટ્સ અનપ્લગ્ડ 3.0' ઇવેન્ટ દરમિયાન KKRના CEO વેન્કી મૈસૂરે આ મહત્વની જાહેરાત કરી હતી. રિંકુ સિંહ હવે અનુભવી કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને ટીમની કમાન સંભાળશે. હેડ કોચ અભિષેક નાયરે જણાવ્યું હતું કે, T20 વર્લ્ડ કપની જીત બાદ રિંકુ એક લીડર તરીકે ઉભરી આવ્યો છે અને તેને વધુ જવાબદારી આપવાનો આ શ્રેષ્ઠ સમય છે. રિંકુ સિંહ માટે આ વર્ષ બેવડી ખુશીઓ લઈને આવ્યું છે. ઉત્તરપ્રદેશ સરકારે રિંકુની નિમણૂક ગઝેટેડ ઓફિસર તરીકે 'રીજનલ સ્પોર્ટ્સ ઓફિસર' ના પદ પર કરી છે. આ પદ માટે તેમને દર મહિને અંદાજે 80,000 થી 90,000 રૂપિયા સુધીનો પગાર મળશે.
રિંકુએ આ ગૌરવપૂર્ણ જવાબદારી સ્વીકારી રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રદાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જોકે, ટીમ હાલ ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. આકાશ દીપ બહાર થતા સૌરભ દુબેને સ્થાન મળ્યું છે, જ્યારે હર્ષિત રાણા અને પથિરાના પણ હાલ ઈજાગ્રસ્ત છે. નવા વાઈસ કેપ્ટન રિંકુ સિંહ સાથે KKR પોતાની પ્રથમ મેચ 29 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. નવા મેનેજમેન્ટ, નવા કોચિંગ સ્ટાફ અને યુવા નેતૃત્વ સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ ફરી એકવાર ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.