ગીર સોમનાથના કોડીનારમાં ફૂડ વિભાગ અને પોલીસની સંયુક્ત રેડ: 994 કિલો અખાદ્ય ગોળનો જથ્થો નાશ કરાયો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને કોડીનાર પોલીસની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડીને બિન-આરોગ્યપ્રદ અને અખાદ્ય એવો આશરે 994.5 કિલોગ્રામ ગોળનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનિક બજારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જંગલેશ્વર ટ્રેડર્સ ખાતે ઓચિંતી તપાસ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને કોડીનાર પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે કોડીનારમાં બસ સ્ટેન્ડ પાછળ, નવા પણાદર રોડ પર મોહિત ટ્રાન્સપોર્ટ પાસે આવેલી 'મેસર્સ જંગલેશ્વર ટ્રેડર્સ' નામની પેઢી પર સંયુક્ત રીતે ઓચિંતી રેડ કરી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી વેચાણ અર્થે રાખવામાં આવેલા ગોળના કુલ 91 ડબ્બાઓ મળી આવ્યા હતા.
36 હજારથી વધુની કિંમતનો 39 ડબ્બા ગોળ અખાદ્ય નીકળ્યો
ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ ગોળની પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. જેમાં કુલ 91 ડબ્બામાંથી 39 ડબ્બાઓમાં રહેલો ગોળ અત્યંત બિન-આરોગ્યપ્રદ અને માનવ વપરાશ માટે અયોગ્ય હોવાનું જણાઈ આવ્યું હતું. આ 39 ડબ્બાઓમાં કુલ 994.5 કિલોગ્રામ જેટલો અખાદ્ય ગોળ ભરેલો હતો, જેની બજાર કિંમત અંદાજે 36,796 રૂપિયા થવા જાય છે. લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે હેતુથી ફૂડ વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
બાકીના 51 ડબ્બામાંથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
અખાદ્ય જથ્થાનો નાશ કર્યા બાદ, અધિકારીઓએ પેઢીમાં રહેલા શંકાસ્પદ એવા બાકીના 51 ડબ્બામાંથી ગોળના નમૂનાઓ (સેમ્પલ) લીધા હતા. આ નમૂનાઓને વધુ પૃથ્થકરણ અને સઘન તપાસ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ પેઢીના સંચાલકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ વધુ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. તંત્રની આ કામગીરીથી અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.