ભક્તિના રંગે રંગાયા કુલદીપ યાદવ.... બાંકે બિહારીને 56 ભોગ અર્પણ કર્યા, લગ્ન પછીની પહેલી વૃંદાવન યાત્રા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ તાજેતરમાં પોતાની પત્ની વંશિકા સાથે ભગવાન શ્રીકૃષ્ણની નગરી વૃંદાવન પહોંચ્યા હતા. લગ્ન બાદ આ દંપતીની મથુરા-વૃંદાવનની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. તેઓ વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન અર્થે પહોંચ્યા ત્યારે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલદીપ અને વંશિકા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પરંપરાગત વિધિ-વિધાન અનુસાર ભગવાન બાંકે બિહારીની પૂજા કરી હતી. બંનેએ અત્યંત ભક્તિભાવ પૂર્વક મંદિરના ઉંબરા પર અત્તર લગાવીને પ્રભુની સેવા કરી હતી. આ દરમિયાન મંદિરના પૂજારીઓ દ્વારા તેમને વિશેષ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
આ ખાસ મુલાકાત દરમિયાન કુલદીપ યાદવે ભગવાન બાંકે બિહારીને '56 ભોગ' અર્પણ કર્યા હતા. હિન્દુ ધર્મમાં ૫૬ ભોગ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે અને કુલદીપે પોતાની અને પરિવારની સુખ-શાંતિ માટે આ ભક્તિમય મનોરથ પૂર્ણ કર્યો હતો. દર્શન બાદ તેમણે મંદિરના ગર્ભગૃહ પાસે બેસીને થોડો સમય શાંતિથી પ્રાર્થના પણ કરી હતી. નોંધનીય છે કે, કુલદીપ યાદવ અને વંશિકાના લગ્ન બાદ આ તેમની પ્રથમ વૃંદાવન યાત્રા હતી. રમતની વ્યસ્તતામાંથી સમય કાઢીને કુલદીપ પોતાની પત્ની સાથે કાન્હાના દ્વારે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયા પર આ દંપતીની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ સાદગીપૂર્ણ અંદાજમાં દર્શન કરતા જોવા મળે છે. સ્ટાર ક્રિકેટર મંદિરમાં હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ તેમના દર્શન કરવા અને ફોટો પડાવવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, કડક સુરક્ષા અને મંદિર પ્રશાસનના સહયોગથી કુલદીપ અને તેમના પત્નીએ કોઈપણ અવરોધ વિના દર્શનનો લાભ લીધો હતો. દર્શન કર્યા બાદ કુલદીપે વૃંદાવનની આધ્યાત્મિક શાંતિનો અનુભવ ગણાવ્યો હતો.