ફેસબુકની પોસ્ટ જોઈ વેપારી લલચાયા, 'સેટિંગ'ના નામે ઠગબાજોએ આચરી લાખોની છેતરપિંડી, પશ્ચિમ કચ્છ LCBએ રોકડ સાથે બે શખ્સોને દબોચ્યા...

સરહદી જિલ્લા કચ્છમાં સસ્તા સોનાના નામે છેતરપિંડી આચરતી ગેંગનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના જોધપુરના એક જ્વેલર્સ સાથે રૂા. 61 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂા. 52 લાખની માતબર રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મેળવી છે. કચ્છના ગુનાહિત ઇતિહાસમાં છેતરપિંડીના કેસમાં આટલી મોટી રકમ રિકવર થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.
ઘટના શું છે?
આ ઘટનાની વિગત મુજબ, જોધપુરમાં 'ભારતમાલા જ્વેલર્સ' ધરાવતા વેપારી હીરાલાલ ચૌધરી સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગબાજોની જાળમાં ફસાયા હતા. આશરે દોઢ વર્ષ પૂર્વે ફેસબુક પર 'રાહુલ સોની' નામની ID પરથી વિદેશી સોનાના બિસ્કિટ વેચવાની પોસ્ટ મુકવામાં આવી હતી. હીરાલાલે સંપર્ક કરતા સામેવાળી વ્યક્તિએ પોતે ભુજનો હોવાનું અને દુબઈથી ઈમ્પોર્ટેડ ગોલ્ડ મગાવતો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ વિશ્વાસ જીતવા માટે એવું જૂઠું આશ્વાસન આપ્યું હતું કે કસ્ટમ વિભાગ સાથે તેનું સેટિંગ છે, જેના કારણે તે બજાર ભાવ કરતા 10 ટકા સસ્તા ભાવે સોનું આપી શકે છે. શરૂઆતમાં વેપારીનો ભરોસો જીતવા માટે આરોપીઓએ સાચું સોનું બતાવી રૂા. 7 લાખમાં એક બિસ્કિટ આપ્યું હતું. ત્યારબાદ ટુકડે-ટુકડે કુલ રૂા. 75 લાખ મેળવી લીધા હતા. જેની સામે માત્ર 14 લાખની કિંમતના બે બિસ્કિટ આપી બાકીના 61 લાખ ઓળવી ગયા હતા.
વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા તેમણે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાની તપાસ LCBને સોંપાતા, PSI એચ.આર. જેઠી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અલ્તાફ હુસેન જત અને હાજી વલી મામદ કકલ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી હાજી વલી મામદ કકલ રીઢો ગુનેગાર છે, જેની સામે અગાઉ લેન્ડ ગ્રેબિંગ, હત્યાનો પ્રયાસ અને ચીટિંગ જેવા અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 52 લાખની રોકડ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર અને મોબાઈલ પણ કબજે કર્યા છે. હાલ પોલીસ બંનેના રિમાન્ડ મેળવી આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.