April 2, 2026
ગુજરાત

કચ્છની ધરતી પર 'કુદરતનો કરિશ્મા': 10 વર્ષના લાંબા અંતરાલ બાદ લુપ્ત થતા ઘોરાડના બચ્ચાનો જન્મ!

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કચ્છની ધરતી પર 'કુદરતનો કરિશ્મા': </strong></span>10 વર્ષના લાંબા અંતરાલ બાદ લુપ્ત થતા ઘોરાડના બચ્ચાનો જન્મ!</p>

છેલ્લા એક દાયકાથી જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે ખુશખબર આખરે કચ્છના રણમાંથી મળી છે. અત્યંત દુર્લભ અને લુપ્ત થવાની અણી પર રહેલા 'ઘોરાડ' પક્ષીના બચ્ચાનો જન્મ થયો છે. આ ઘટના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે એક મોટી અને ઐતિહાસિક સફળતા માનવામાં આવી રહી છે, જેણે લુપ્ત થતી આ પ્રજાતિ માટે નવી આશા જગાવી છે. ગુજરાતમાં માત્ર ગણીગાંઠી માદા ઘોરાડ જ બચી હતી, જેના કારણે આ પક્ષીઓની સંખ્યા વધારવાનું કાર્ય અત્યંત પડકારજનક હતું. આ મિશનને સફળ બનાવવા માટે રાજસ્થાનના જેસલમેર સ્થિત બ્રીડિંગ સેન્ટર સાથે સંકલન સાધીને ત્યાંથી એક ઈંડું અત્યંત સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર પ્રક્રિયામાં અત્યંત જટિલ અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નિષ્ણાતોની દેખરેખ હેઠળ, જેસલમેરથી લાવવામાં આવેલા ઈંડાને કચ્છની માદા ઘોરાડના ઈંડા સાથે કુશળતાપૂર્વક બદલી નાખવામાં આવ્યું હતું. આ પ્રયોગનો હેતુ એ હતો કે માદા ઘોરાડ તેને પોતાનું જ ઈંડું સમજીને સ્વાભાવિક રીતે સેવી શકે અને બચ્ચાનો ઉછેર કુદરતી વાતાવરણમાં થાય. વન વિભાગની આ મહેનત આખરે રંગ લાવી છે અને 10 વર્ષના લાંબા અંતરાલ બાદ સફળતાપૂર્વક બચ્ચાનો જન્મ થયો છે.

હાલમાં આ નવજાત બચ્ચું અને તેની માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે, વન વિભાગના અધિકારીઓ આ સફળ પ્રયોગને પર્યાવરણ સંરક્ષણના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોઈ રહ્યા છે, કારણ કે આ પદ્ધતિથી ભવિષ્યમાં સંખ્યા વધારવી શક્ય બનશે. નવજાત બચ્ચાની સુરક્ષા માટે વન વિભાગે કોઈ કસર બાકી રાખી નથી. બચ્ચાને શિકારી પ્રાણીઓ અને રખડતા શ્વાનોથી બચાવવા માટે ખાસ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે, જે  કલાક આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.

સુરક્ષાના ભાગરૂપે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ અઘટિત ઘટનાને રોકી શકાય. હાલમાં વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં માનવ હસ્તક્ષેપ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પક્ષીઓને અનુકૂળ અને શાંત વાતાવરણ પૂરું પાડવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના પ્રવેશ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. વન સંરક્ષકે ઉમેર્યું હતું કે, આ મિશનની સફળતાથી હવે ઘોરાડના સંવર્ધન માટે એક નવું મોડેલ તૈયાર થયું છે, જે આગામી સમયમાં આ દુર્લભ પક્ષીના અસ્તિત્વને ટકાવી રાખવામાં મદદરૂપ થશે.