કચ્છના જૂના કંડલામાં LPG લાઈનમાં લાગી ભીષણ આગ : ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે...
કચ્છના ઔદ્યોગિક હબ ગણાતા જૂના કંડલા વિસ્તારમાં આજે અચાનક LPG ગેસની પાઈપલાઈનમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. પળવારમાં જ આગની જ્વાળાઓ આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગી હતી અને આસપાસના વિસ્તારમાં ગેસની ગંધ ફેલાઈ જવાથી સ્થાનિકોમાં ફાળ પડી હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ કંડલા પોર્ટની ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની ગરમી લાંબે સુધી અનુભવાઈ રહી હતી, જેને પગલે સાવચેતીના ભાગરૂપે આસપાસના માર્ગો પરની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.
હાલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેસ લાઈનમાં લાગેલી આગ હોવાથી ટેકનિકલ ટીમોને પણ તાકીદે બોલાવવામાં આવી છે જેથી પાછળથી આવતા ગેસનો પુરવઠો બંધ કરી શકાય અને મોટી જાનહાનિ કે મોટું નુકસાન ટાળી શકાય.
સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસ કાફલો પણ સ્થળ પર તૈનાત છે અને આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણ હેઠળ લાવવા માટે તમામ સંભવિત પ્રયાસો જારી છે.