April 1, 2026
ગુજરાત

કચ્છના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગાર્મેન્ટ કંપનીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા..

05:12:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કચ્છના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગાર્મેન્ટ કંપનીમાં ભીષણ આગ,</strong></span> આકાશમાં ધુમાડાના ગોટેગોટા..</p>

કચ્છના ગાંધીધામ નજીક આવેલા દેશના મહત્વના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે એક ગાર્મેન્ટ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બપોરના સમયે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર, આગ ગાર્મેન્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં લાગી હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં કાપડ અને તૈયાર કપડાંનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા, ઘટનાની જાણ થતા જ કંડલા સેઝના ફાયર વિભાગ સહિત ગાંધીધામ અને આસપાસની નગરપાલિકાઓની ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં દસથી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગ્યા બાદ કંપનીમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સેઝના સુરક્ષા કર્મીઓ અને સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને અન્ય યુનિટો સુધી આગ ન પ્રસરે તે માટે સાવચેતીના પગલાં ભર્યા છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ભીષણ આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ હોનારત સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગ અને એફએસએલની ટીમ દ્વારા આગ ઓલવ્યા બાદ પંચનામું કરી આગના મૂળ કારણની તપાસ હાથ ધરવામાં આવશે. અનેક અન્ય કંપનીઓ અને ગોડાઉન આવેલા હોવાથી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે કે આગ પવનના કારણે બાજુના એકમોમાં ન ફેલાય. ફાયર બ્રિગેડના જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગને એક ચોક્કસ હદમાં મર્યાદિત કરવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં સમગ્ર સેઝ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.