કીડાણાની યુવતી પર દુષ્કર્મ આચરી, તામિલનાડુનો શખ્સ સોનાના દાગીના અને લોનના લાખો રૂપિયા લઈ છૂમંતર
કચ્છના કીડાણા વિસ્તારમાં એક યુવતીને લગ્નની જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી તેમજ લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તામિલનાડુના એક શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ તેની પાસેથી કુલ ₹18.25 લાખ પડાવીને ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.દુષ્કર્મ અને આર્થિક લૂંટ મળતી માહિતી મુજબ, આરોપીએ પીડિતાને લગ્નનું વચન આપી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આરોપીની નજર માત્ર યુવતી પર જ નહીં પરંતુ તેની મિલકત પર પણ હતી. તેણે પીડિતાના નામે વિવિધ બેંકોમાંથી પર્સનલ લોન અને ગોલ્ડ લોન લેવડાવી હતી. આ રીતે આરોપીએ યુવતી પાસેથી કટકે-કટકે કુલ ₹18.25 લાખની માતબર રકમ મેળવી લીધી હતી. પૈસા મેળવી લીધા બાદ આરોપી લગ્નનો ઇનકાર કરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ આ અંગે હિંમત દાખવી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસે મુખ્ય આરોપી (તામિલનાડુનો રહેવાસી) સહિત આ કાવતરામાં સામેલ કુલ ચાર શખ્સો વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ તેજ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પીડિતાના નામે લેવાયેલી લોન અને નાણાકીય વ્યવહારોની વિગતો પણ પોલીસ એકઠી કરી રહી છે.