April 4, 2026
ક્રાઈમ

પશ્ચિમ કચ્છમાં પવનચક્કીઓમાં કેબલ ચોરીનો પર્દાફાશ: 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપાયા

02:22:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પશ્ચિમ કચ્છમાં પવનચક્કીઓમાં કેબલ ચોરીનો પર્દાફાશ: </span>4 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપાયા</p>

પશ્ચિમ કચ્છ જિલ્લાના નખત્રાણા અને દયાપર વિસ્તારમાં આવેલી પવનચક્કીઓમાંથી કોપર કેબલની ચોરી કરતી એક ગેંગને લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ઝડપી પાડી છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 5 શખ્સોને આશરે 500 કિલો કોપર વાયર અને અન્ય સાધનો સાથે પકડી પાડી કુલ રૂપિયા 4,05,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમીના આધારે ફાટક પાસે કરાઈ કાર્યવાહી 

પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો અત્યાધુનિક ઇન્વેસ્ટિગેશન કીટ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ટોડિયા ગામના ફાટક પાસે બાતમી મળી હતી કે કેટલાક શખ્સો લાલ રંગની કાર અને 'છોટા હાથી' વાહનમાં શંકાસ્પદ કોપર વાયર લઈને નખત્રાણા તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી વાહનો રોકી 5 શંકાસ્પદોની અટકાયત કરી હતી.

3 મહિનામાં 15 સ્થળોએ આચરી હતી ચોરી 

પકડાયેલા શખ્સો પાસે મળેલા કોપર વાયર અંગે કોઈ બિલ કે આધારભૂત પુરાવો ન હોવાથી પોલીસે કડક પૂછપરછ હાથ ધરી હતી. તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ છેલ્લા 3 મહિનામાં નખત્રાણા તાલુકાના નાગવીરી, પાનેલી, દયાપર, જુણાચાય, મણકાવાંઢ, મોટા અને નાના વાલ્કા તેમજ મેઘપર વિસ્તારમાં આવેલી કુલ 15 પવનચક્કીઓના લોકેશન પર તાળા તોડી અંદરના અર્થિંગ કેબલ કાપીને ચોરી કરી હતી. આ ચોરેલો કેબલ તેઓ ઘડાણી ગામની સીમમાં છુપાવી રાખતા અને યોગ્ય સમય મળ્યે વેચાણ માટે લઈ જતા હતા.

5 આરોપીઓ ઝડપાયા, 1 ફરાર 

આ સફળ ઓપરેશનમાં પોલીસે આશરે 500 કિલો કોપર વાયર, ગ્રાઇન્ડર મશીન, અન્ય સાધનો અને 2 વાહનો મળીને કુલ 4,05,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં અસગર ફકીરમામદ ભજાણીયા, આમદ હનિફ નોતિયાર, જકરીયા હાસમ સોતા, નવાબ દિના નોતિયાર અને સુલતાન મામદ કુંભારનો સમાવેશ થાય છે. જ્યારે આ ટોળકીનો અન્ય એક સાગરિત દાઉદ જાકબ સોતા હજુ ફરાર છે.

આગળની તપાસ અને કાર્યવાહી 

પોલીસે તમામ આરોપીઓ સામે BNSS ની કલમ 106 હેઠળ મુદ્દામાલ કબજે કરી કલમ 35(1)(ઇ) મુજબ અટકાયત કરી છે. આ ધરપકડથી નખત્રાણા અને દયાપર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનાઓનો પણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ફરાર આરોપીને પકડવા અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કડક કાર્યવાહીથી પવનચક્કી પ્રોજેક્ટ્સમાં થતી ચોરીઓ પર અંકુશ આવશે તેવી સંભાવના છે.