કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા વિવાદોના વંટોળમાં: નિયમોનો છેદ ઉડાડી પ્રક્રિયા તેજ બનાવતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો
કચ્છની પ્રતિષ્ઠિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી છે. આ વખતે યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવેલી પ્રક્રિયાને યુનિવર્સિટી તંત્ર દ્વારા મનસ્વી રીતે ફરી શરૂ કરવામાં આવતા જાગૃત નાગરિકો અને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હાલ ગુજરાત હાઈકોર્ટમાં 4 જેટલા કેસો પેન્ડિંગ હોવા છતાં તંત્ર દ્વારા ઉતાવળે પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગુજરાત કોમન યુનિવર્સિટીઝ એક્ટનું ઉલ્લંઘન
આક્ષેપો મુજબ, યુનિવર્સિટીએ ભરતી માટે જાહેર કરેલી જાહેરાતોમાં ‘ગુજરાત કોમન યુનિવર્સિટીઝ એક્ટ’ ની જોગવાઈઓનો સીધો ભંગ કર્યો છે. ખાસ કરીને પી.એ.જેવી મહત્વની જગ્યાઓ માટે નક્કી કરાયેલા મેટ્રિક્સ લેવલમાં ગંભીર વિસંગતતા જોવા મળી છે. સરકારી ધારાધોરણો મુજબ આ જગ્યાઓ ‘ગ્રુપ-બી’ હેઠળ આવે છે, જેમાં મેટ્રિક્સ લેવલ 8 થી 10 હોવું જોઈએ, પરંતુ યુનિવર્સિટીએ તેને લેવલ 6 તરીકે દર્શાવીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ તફાવત વહીવટી દ્રષ્ટિએ ગંભીર ખામી ગણાવવામાં આવી રહી છે.
અનામત નીતિ અને વયમર્યાદામાં મનસ્વી ફેરફાર
ભરતી પ્રક્રિયામાં માત્ર ટેકનિકલ ખામીઓ જ નહીં, પરંતુ અનામત નીતિના અમલમાં પણ રોસ્ટર પોઈન્ટ સિસ્ટમનું પાલન કરવામાં આવ્યું નથી તેવી ફરિયાદો ઉઠી છે. દિવ્યાંગ અને મહિલા અનામતની જોગવાઈઓને અવગણીને લાયક ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. આ ઉપરાંત, યુનિવર્સિટીના આંતરિક કર્મચારીઓને વયમર્યાદામાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે, જે અન્ય ઉમેદવારો માટે અસમાનતા ઊભી કરે છે. નોંધનીય છે કે, March 2024 માં બહાર પડેલી જાહેરાતમાં 2 વર્ષ બાદ મનસ્વી ફેરફારો કરવામાં આવ્યા છે, જે કાયદેસર રીતે નવી જાહેરાતની માંગ કરે છે.
વિવાદાસ્પદ રજીસ્ટ્રાર અને ભૂતકાળના વહીવટી છબરડા
કચ્છ યુનિવર્સિટીનો ઇતિહાસ અગાઉ પણ પેપર લીક, માર્કશીટમાં ગડબડ અને વહીવટી ગેરવ્યવહારને કારણે ચર્ચામાં રહ્યો છે. આ કડીમાં રજીસ્ટ્રારની નિમણૂક પણ શરૂઆતથી જ વિવાદમાં રહી છે. નિયમ મુજબ આ પદ પર શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિની નિમણૂક અનિવાર્ય છે, છતાં અહીં યોગ્યતાના માપદંડો નેવે મૂકાયા હોવાની ચર્ચાઓ તેજ બની છે. કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ઉતાવળ પાછળ કોઈ છૂપા આર્થિક એજન્ડા કે નાણાકીય ગેરરીતિ હોવાની શંકા ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પારદર્શક તપાસની ઉઠતી માંગ
હાલમાં આ મામલે બેરોજગાર યુવાનોમાં પ્રચંડ આક્રોશ છે અને તેઓ પારદર્શક રીતે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. જો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે સમયસર અને તટસ્થ તપાસ હાથ ધરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.