કચ્છમાં કુદરતનો મિજાજ બદલાયો : ભુજ અને અજરખપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી...
કચ્છની ધરા પર આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઉનાળાની શરૂઆત પૂર્વે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સરહદી જિલ્લાના વડામથક ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને ભુજ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ અણધાર્યા ફેરફારને કારણે રસ્તા પર જઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓ અટવાઈ પડ્યા હતા, જોકે લાંબા સમયના ઉકળાટ બાદ મેઘરાજાના આગમનથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી.
ભુજથી નજીક આવેલા જાણીતા હસ્તકલા કેન્દ્ર અજરખપુર પાસે તો કુદરતનું અલગ જ રૂપ જોવા મળ્યું હતું. અહીં વરસાદની સાથે મોટા કદના કરા પડતા ધરતી પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ આ નજારો જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
કરા પડવાને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને સમગ્ર પંથક ટાઢકબોળ બની ગયો છે. જોકે, એકતરફ આહલાદક વાતાવરણ સર્જાયું છે, તો બીજીતરફ કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભરબપોરે સર્જાયેલા આ અંધારપટ અને માવઠાએ કચ્છના મિજાજને ક્ષણવારમાં બદલી નાખ્યો છે.