કચ્છનું સફેદ રણ બન્યું ‘પિંક પેરાડાઈઝ’: ‘રોડ ટુ હેવન’ પર હજારો સુરખાબના આગમનથી અદભૂત નજારો
કચ્છના સફેદ રણમાં ફરી એકવાર કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. કચ્છના અત્યંત લોકપ્રિય એવા ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં હજારોની સંખ્યામાં વિદેશી સુરખાબ પક્ષીઓનું આગમન થતાં સમગ્ર રણ પ્રદેશ ગુલાબી રંગની અદભૂત છટાથી છલકાઈ રહ્યો છે. સામાન્ય રીતે આ વિદેશી પક્ષીઓ શિયાળાની વિદાય સાથે માર્ચ મહિનાના પ્રારંભમાં પરત ફરી જતા હોય છે, પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી તેમનું વિશાળ સંખ્યામાં રોકાણ જોવા મળતા પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શેર કર્યો અદભૂત ડ્રોન નજારો
કચ્છના રણના આ કુદરતી વૈભવને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ડ્રોન વિડિયો મારફતે શેર કર્યો છે. આ વિડિયોમાં હજારો ફ્લેમિંગો પક્ષીઓ એકસાથે ઉડાન ભરતા અને રણની સફેદ ધરતી પર શિસ્તબદ્ધ રીતે ગોઠવાતા જોવા મળે છે. આ દ્રશ્યો એટલા આકર્ષક છે કે જાણે કચ્છનું રણ કુદરતનો જીવંત રંગમંચ બની ગયું હોય તેવો ભાસ થાય છે. હર્ષ સંઘવીએ આ નજારાને ગુજરાતની પ્રાકૃતિક સમૃદ્ધિ તરીકે ગણાવ્યો છે.
સાઇબેરિયા અને રશિયાથી હજારો કિલોમીટરની સફર
દર વર્ષે શિયાળાની શરૂઆતમાં સાયબેરિયા અને રશિયા જેવા અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને સાહસિક પ્રવાસ ખેડીને આ વિદેશી પક્ષીઓ કચ્છના રણમાં મહેમાન બને છે. કચ્છના રણનું વિશિષ્ટ ભૌગોલિક વાતાવરણ, ખારાશભર્યું પાણી અને કુદરતી ખોરાકની વિપુલતા તેમને પ્રજનન અને વસવાટ માટે અત્યંત અનુકૂળ આવે છે. આ જ કારણ છે કે કચ્છનું રણ સમગ્ર એશિયામાં ફ્લેમિંગો પક્ષીઓ માટે સૌથી સુરક્ષિત અને મહત્વપૂર્ણ આશ્રયસ્થાન માનવામાં આવે છે.
પ્રવાસન માટે નવું આકર્ષણ: ‘પિંક પેરાડાઈઝ’
ખાસ કરીને ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખાતા માર્ગની આસપાસ આ પક્ષીઓના વિશાળ સમૂહને કારણે આ વિસ્તાર હાલમાં ‘પિંક પેરાડાઈઝ’ તરીકે ઓળખાઈ રહ્યો છે. રણની સફેદ ચાદર પર પક્ષીઓના ગુલાબી રંગના મિશ્રણને કારણે સર્જાયેલું આ દ્રશ્ય પ્રવાસીઓ માટે ફોટોગ્રાફીનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થતાં દેશ-વિદેશના કુદરતપ્રેમીઓ કચ્છના પ્રાકૃતિક સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે.