ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડીનું દર્દ છલકાયું.... ભારતીય ખેલાડીઓ જ મને રંગને લઈને ટોણા મારતા હતા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર અને દિગ્ગજ કોમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ભારતીય ક્રિકેટના ડ્રેસિંગ રૂમ અને મેદાન પરના કડવા અનુભવો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે વિદેશીઓ નહીં, પરંતુ ભારતીય ખેલાડીઓ અને સ્થાનિક પ્રેક્ષકો જ તેમના રંગને લઈને અભદ્ર ટિપ્પણીઓ કરતા હતા. 14 વર્ષની ઉંમરથી શરૂ થયેલો આ સિલસિલો તેમની આખી કારકિર્દી દરમિયાન ચાલુ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. તેઓ માત્ર 14 વર્ષના હતા અને નેટ બોલર તરીકે ચેપોક સ્ટેડિયમમાં ગયા હતા, ત્યારે એક વરિષ્ઠ ભારતીય બેટ્સમેને તેમને ગ્રાઉન્ડ સ્ટાફ સમજીને પોતાના જૂતા સાફ કરવા કહ્યું હતું.
આ ઉપરાંત, તેમના 17મા જન્મદિવસે એક વરિષ્ઠ ખેલાડીએ ડાર્ક ચોકલેટ કેકની તુલના તેમના રંગ સાથે કરતા તેઓ રડી પડ્યા હતા. તે સમયે દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે તેમને સાંત્વના આપી શાંત પાડવા પડ્યા હતા. પોતાના સંઘર્ષની વાત કરતા તેમણે ઉમેર્યું કે તમિલનાડુ ટીમના ખેલાડીઓ તેમને 'કદરૂપા' કહીને બોલાવતા હતા. એટલું જ નહીં, મુંબઈ, ચંદીગઢ અને જલંધર જેવા શહેરોમાં મેચ દરમિયાન જ્યારે તેઓ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરતા, ત્યારે ભીડ "કાલિયા, તેરા ક્યા હોગા?" કહીને તેમની મજાક ઉડાવતી હતી.
તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને વારંવાર જાતિગત અને રંગભેદી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. શિવરામકૃષ્ણને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર પણ આકરા પ્રહાર કર્યા છે. 23 વર્ષ લાંબી કોમેન્ટ્રી કારકિર્દી બાદ નિવૃત્તિની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, બે દાયકાથી વધુ સમય આપવા છતાં તેમને ટોસ ડ્યુટી કે મેચ પછીના પ્રેઝન્ટેશન જેવી મહત્વની ભૂમિકાઓથી સતત દૂર રાખવામાં આવ્યા હતા.
બોર્ડ પર યોગ્ય તકો ન આપવાનો અને પક્ષપાત કરવાનો આરોપ લગાવી સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે.આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા અને ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, એક પ્રતિષ્ઠિત ખેલાડી સાથે થયેલો આ વ્યવહાર ભારતીય ક્રિકેટના આંતરિક વાતાવરણ પર અનેક સવાલો ઉભા કરે છે. શિવરામકૃષ્ણનની આ હિંમતભરી કબૂલાતથી રમત જગતમાં વંશીય ભેદભાવ નાબૂદ કરવા માટેના અભિયાનને નવો વેગ મળે તેવી શક્યતા છે.