ખબરદાર! નવું માટલું લાવ્યા પછી સીધું જ પાણી ન ભરો, પહેલા આ સાવચેતી જરૂર રાખો
ગરમીથી રાહત મેળવવા માટે માટીનું માટલું આજે પણ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે, માટલાનું પાણી માત્ર કુદરતી રીતે ઠંડું જ નથી હોતું, પરંતુ તે ક્ષારયુક્ત હોવાથી શરીરને અનેકગણો ફાયદો પણ કરે છે. જોકે, બજારમાંથી નવું માટલું લાવ્યા પછી તેને સીધું વાપરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. નવું માટલું વાપરતા પહેલા તેને પલાળવાથી લઈને તેની સફાઈ સુધીની આ ૫ ખાસ બાબતોનું ધ્યાન રાખશો, તો જ તમને આખો ઉનાળો અમૃત જેવું મીઠું અને શીતળ જળ મળશે. ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પાણીનો સહારો લેતા હોય છે.
વર્તમાન સમયમાં રેફ્રિજરેટરના વધુ પડતા ઠંડા પાણીથી થતા નુકસાનને જોતા, લોકો ફરી એકવાર કુદરતી ઠંડક આપતા માટીના માટલા તરફ વળ્યા છે. માટલાનું પાણી માત્ર તરસ નથી છિપાવતું, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અનેકગણું ફાયદાકારક છે, જોકે, નવું માટલું ખરીદ્યા પછી તેનો સીધો ઉપયોગ કરવાને બદલે કેટલીક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે.
24 કલાક પાણીમાં પલાળી રાખો
નવું માટલું લાવ્યા બાદ તેને તરત જ વાપરવું હિતાવહ નથી. માટલું બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેમાં ધૂળ અને રેતીના કણો રહી ગયા હોય છે. નિષ્ણાતોના મતે, નવા માટલાને સૌ પ્રથમ પાણી ભરેલા મોટા ટબમાં ઓછામાં ઓછા 24 કલાક માટે ડૂબાડી રાખવું જોઈએ. આ પ્રક્રિયાથી માટીના છિદ્રો ખુલી જાય છે અને માટલું પાણી શોષવાની ક્ષમતા કેળવે છે.
સાબુ કે ડિટર્જન્ટનો ઉપયોગ ટાળવો
માટલું સાફ કરવા માટે ક્યારેય વાસણ ધોવાના સાબુ, લિક્વિડ કે ડિટર્જન્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. માટી છિદ્રાળુ હોવાથી સાબુના કેમિકલ અને ગંધ માટલામાં શોષાઈ જાય છે, જે પાણીના કુદરતી સ્વાદ અને સુગંધને બગાડે છે અને સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે.
સફાઈની સાચી રીત
માટલાને કુદરતી રીતે સાફ કરવા માટે તેમાં 1 ચમચી ખાવાનો સોડા, મીઠું અને લીંબુનું દ્રાવણ ઉમેરીને જોરશોરથી હલાવવું જોઈએ. આ મિશ્રણથી 3-4 મિનિટ બાદ સાદા પાણીથી માટલું ધોઈ નાખવું. દર 6થી 7 દિવસે આ રીતે માટલાની સફાઈ કરવાથી પાણીની શુદ્ધતા જળવાઈ રહે છે.
બરફ નાખવાની ભૂલ ન કરો
ઘણીવાર લોકો પાણીને ઝડપથી ઠંડુ કરવા માટે માટલામાં બરફ ઉમેરે છે. આમ કરવાથી માટલાની કુદરતી બાષ્પીભવન પ્રક્રિયા અવરોધાય છે. જો માટલામાં બરફ જ ઉમેરવો હોય, તો માટીના વાસણનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કુદરતી ઠંડક માટે ધીમે ધીમે ઠંડુ થતું પાણી જ શ્રેષ્ઠ છે.
માટલું રાખવાની યોગ્ય જગ્યા
માટલાને ક્યારેય સીધું જમીન પર ન રાખતા મજબૂત સ્ટેન્ડ પર રાખવું જોઈએ. પાણીને વધુ ઠંડુ રાખવા માટે માટલાની આસપાસ ભીનું સુતરાઉ કાપડ લપેટી રાખવું જોઈએ. આ ઉપરાંત, માટલાને હવા ઉજાસવાળી જગ્યાએ રાખવાથી પાણી ઝડપથી અને લાંબા સમય સુધી ઠંડુ રહે છે.