રેશમી અને ચમકદાર વાળ જોઈએ છે? તો લગાવો આ મેજિકલ નેચરલ જેલ
શું તમે પણ મોંઘી હેર ટ્રીટમેન્ટ કરાવીને કંટાળ્યા છો? કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ તમારા વાળની કુદરતી ચમક છીનવી શકે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી! રસોડામાં રહેલી સામાન્ય વસ્તુઓ જેવી કે ભીંડા, મેથી અને અળસીનો ઉપયોગ કરીને તમે ઘરે જ 'મેજિકલ હેર જેલ' બનાવી શકો છો. આ કુદરતી ઉપાયો માત્ર તમારા વાળને નરમ જ નહીં, પણ તેને અંદરથી મજબૂત અને હેલ્ધી પણ બનાવશે.
આજના સમયમાં પ્રદૂષણ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે વાળની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. લોકો વાળને સુંદર બનાવવા માટે હેર બોટોક્સ અને કેરાટિન જેવી મોંઘી કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સહારો લે છે, પરંતુ તેમાં રહેલા રસાયણો લાંબે ગાળે વાળને નુકસાન પહોંચાડે છે.
આ સ્થિતિમાં કુદરતી ઘટકોમાંથી બનાવેલ હોમમેઇડ જેલ વાળને પોષણ આપી તેને કુદરતી રીતે નરમ અને ચમકદાર બનાવવામાં શ્રેષ્ઠ સાબિત થાય છે. કોસ્મેટિક સારવારમાં વપરાતા કેમિકલ્સ વાળને અકુદરતી અને શુષ્ક બનાવી દે છે. તેના બદલે આ ઘરેલૂ નુસખાઓ ઓછા ખર્ચે અને કોઈ પણ આડઅસર વગર લાંબા ગાળા સુધી વાળનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
ભીંડાનું જેલ
ભીંડા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ વાળ માટે પણ ગુણકારી છે. ભીંડાને પાણીમાં 10 મિનિટ ઉકાળી, તેને ગાળીને તૈયાર કરેલું જેલ વાળમાં 30 મિનિટ લગાવવાથી વાળને અદભૂત પોષણ અને નરમાશ મળે છે.
અળસીનું જેલ
અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. તેને પાણીમાં ઉકાળીને બનાવેલું જેલ વાળને કુદરતી ચમક આપે છે. આ જેલને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકાય છે અને તે ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે.
મેથીના દાણાનું જેલ
મેથી વાળ માટે વરદાન સમાન છે. આખી રાત પલાળેલી મેથીને પીસીને તેનું જેલ મલમલના કપડાથી ગાળી લેવું. આ જેલ પેસ્ટ કરતા વધુ અસરકારક છે કારણ કે તેને વાળમાંથી સાફ કરવી સરળ રહે છે. તે વાળના મૂળને મજબૂત બનાવે છે.
એલોવેરા જેલ
એલોવેરા એક સર્વશ્રેષ્ઠ નેચરલ કન્ડિશનર છે. શેમ્પૂ કર્યા પછી તાજી એલોવેરા જેલ 10 મિનિટ લગાવવાથી વાળ રેશમી બને છે. વધુ સારા પરિણામ માટે તેમાં ઈંડું અથવા દહીં પણ ઉમેરી શકાય છે.
જાસૂદના ફૂલ અને પાનનું જેલ
જાસૂદને 'કુદરતી બોટોક્સ' કહેવામાં આવે છે. તે કન્ડિશનિંગ માટે ઉત્તમ છે. તે અકાળે સફેદ થતા વાળને અટકાવે છે અને વાળને સુપર સોફ્ટ બનાવે છે.