ઓછું પાણી પીવાની આદત તમારી કિડની ફેલ કરી શકે છે....ડિહાઇડ્રેશનના આ સંકેતોને ક્યારેય ન કરો અવગણના
ગુજરાતમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે અને તેની સાથે જ આપણા શરીર પર ગરમીની માઠી અસરો શરૂ થઈ ગઈ છે. આપણે ઘણીવાર કામની વ્યસ્તતા કે આળસમાં પાણી પીવાનું ટાળીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ એક નાની ભૂલ તમારી કિડનીને કાયમી માટે નુકસાન પહોંચાડી શકે છે? શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન માત્ર તરસ લાગવા પૂરતું મર્યાદિત નથી, તે શરીરના અતિ મહત્વના અંગોને ફેલ કરવા સુધીની ક્ષમતા ધરાવે છે. શરીરમાં પાણી ઘટવાના એવા સંકેતો, જેને આપણે સામાન્ય ગણીને અવગણીએ છીએ.
આ આકરા ઉનાળામાં તમારી કિડનીને 'સુપર હેલ્ધી' રાખવા માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તરસ લાગે ત્યારે જ પાણી પીવું એ પૂરતું નથી, શરીરને હાઇડ્રેટેડ રાખવું એ જીવન બચાવવા સમાન છે. શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન માત્ર થાક જ નહીં, પરંતુ કિડની ફેલ થવા જેવી ગંભીર સ્થિતિ પણ સર્જી શકે છે. ખાસ કરીને જે લોકો કામની વ્યસ્તતામાં પાણી પીવાનું ભૂલી જાય છે, તેમના માટે આ ઉનાળો જોખમી સાબિત થઈ શકે છે.
કિડની પર ડિહાઇડ્રેશનની અસર
કિડની લોહીને શુદ્ધ કરવાનું અને શરીરમાંથી ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર કાઢવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં પાણી ઓછું હોય ત્યારે કિડનીને લોહી ફિલ્ટર કરવામાં વધુ મહેનત કરવી પડે છે. લાંબા સમય સુધી ડિહાઇડ્રેશન રહેવાથી કિડનીમાં પથરી અથવા ક્રિએટિનાઈન લેવલ વધી શકે છે, જે આખરે કિડની ફેલ્યોરનું કારણ બને છે.
ડિહાઇડ્રેશનના મુખ્ય સંકેતો
અતિશય તરસ લાગવી, પેશાબનો રંગ ઘાટો પીળો થવો, પેશાબમાં ઘટાડો, મોઢું સુકાવું, ચક્કર આવવા, માથામાં દુખાવો, ચામડી ડ્રાય થવી, આંખો ઊંડી ઉતરી જવી, ઝડપી ધબકારા, સ્નાયુઓમાં ખેંચાણ, ચીડિયાપણું, બેભાન થઈ જવું અને અતિશય થાક લાગવો.
પાણી પીવાના સુવર્ણ નિયમો
ઉનાળામાં તરસ લાગે કે ન લાગે, દિવસમાં ઓછામાં ઓછું 3થી4 લિટર પાણી પીવું જોઈએ. સવારે ઉઠતાની સાથે જ 1- ગ્લાસ પાણી પીવાની આદત પાડો. બહાર નીકળતા પહેલા હંમેશા પાણીની બોટલ સાથે રાખો. આ ઉપરાંત, તીવ્ર તડકામાં લાંબો સમય રહેવાનું ટાળવું જોઈએ જેથી શરીરમાંથી પરસેવા વાટે પાણી ઓછું ન થાય.
આહારમાં કુદરતી ઠંડકનો સમાવેશ
માત્ર પાણી જ નહીં, પણ પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી પણ ડિહાઇડ્રેશન રોકવામાં મદદ કરે છે. તરબૂચ, ટેટી, કાકડી, સંતરા અને ટામેટામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. બપોરના ભોજનમાં છાશ, લીંબુ શરબત, નારિયેળ પાણી અથવા વરિયાળીના શરબતનો સમાવેશ કરવાથી ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે છે અને કિડની પરનું દબાણ ઘટે છે.
કેફી પીણાં અને આલ્કોહોલથી બચો
ઘણા લોકો ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સ, વધુ પડતી ચા, કોફી કે આલ્કોહોલનું સેવન કરે છે. નિષ્ણાતોના મતે આ પીણાં 'ડાય્યુરેટિક' હોય છે, જે શરીરમાંથી પેશાબ વાટે વધુ પાણી બહાર કાઢે છે અને તમને વધુ ડિહાઇડ્રેટ કરે છે. ગરમીમાં આ પ્રકારના પીણાંના બદલે કુદરતી પીણાં પસંદ કરવા જોઈએ.
બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન
બાળકો અને વૃદ્ધોમાં ડિહાઇડ્રેશનની અસર ખૂબ જ ઝડપથી થાય છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જો પેશાબનો રંગ બદલાય કે જીભ સુકાતી હોય, તો તરત જ ઓઆરએસ અથવા મીઠું-ખાંડનું દ્રાવણ આપવું જોઈએ. સમયસર સાવચેતી રાખવાથી કિડનીની ગંભીર બીમારીઓથી બચી શકાય છે.