April 5, 2026
હેલ્થ

શું તમને જ મચ્છરો વધુ કરડે છે? તો જાણી લો તમારું બ્લડ ગ્રુપ, વિજ્ઞાને આપ્યું છે આ કારણ!

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું તમને જ મચ્છરો વધુ કરડે છે?</strong></span> તો જાણી લો તમારું બ્લડ ગ્રુપ, વિજ્ઞાને આપ્યું છે આ કારણ!</p>

ઉનાળાની શરૂઆત સાથે જ મચ્છરોનો ત્રાસ પણ અનેકગણો વધી જાય છે. મચ્છર માત્ર ખંજવાળ જ નથી લાવતા, પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ગંભીર રોગોના વાહક પણ છે. તમે ઘણીવાર નોંધ્યું હશે કે એક જ રૂમમાં બેઠેલા લોકોમાંથી અમુક લોકોને મચ્છર ચુંબકની જેમ વળગે છે, જ્યારે અન્ય લોકો બચી જાય છે. નિષ્ણાતોના મતે આ કોઈ સંયોગ નથી, પરંતુ તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. આરોગ્ય ક્ષેત્રના અહેવાલો મુજબ, મચ્છરોના આકર્ષણમાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિવિધ અભ્યાસોમાં સાબિત થયું છે કે 'O' બ્લડ ગ્રુપ ધરાવતા લોકો તરફ મચ્છરો સૌથી વધુ આકર્ષાય છે. તેની સરખામણીએ 'A' બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને મચ્છર કરડવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

મચ્છરો આપણી ત્વચામાં રહેલા એન્ટિજેન્સને પારખી શકે છે અને તેના આધારે તેમનો શિકાર પસંદ કરે છે. માત્ર બ્લડ ગ્રુપ જ નહીં, પરંતુ શ્વાસોશ્વાસ દરમિયાન મુક્ત થતો કાર્બન ડાયોક્સાઈડ પણ મચ્છરો માટે આમંત્રણ સમાન છે. મચ્છરો દૂરથી જ આ ગેસને સૂંઘી શકે છે. જે લોકો વધુ CO₂ બહાર કાઢે છે, જેમ કે મેદસ્વી વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓ, તેમને મચ્છરો વધુ નિશાન બનાવે છે. આ જ કારણ છે કે કસરત કર્યા પછી કે ભારે શ્વાસ લેતી વખતે મચ્છરનો ત્રાસ વધી જાય છે. વૈજ્ઞાનિકોના મતે, શરીરની ગંધ અને પરસેવામાં રહેલા રસાયણો જેવા કે લેક્ટિક એસિડ અને એમોનિયા પણ મચ્છરોને આકર્ષવામાં મહત્વનો ભાગ ભજવે છે.

દરેક વ્યક્તિની ત્વચા પર રહેલા બેક્ટેરિયાનું પ્રમાણ અલગ-અલગ હોય છે. જેમની ત્વચા પર બેક્ટેરિયાની વિવિધતા ઓછી હોય, તેઓ મચ્છરો માટે 'સોફ્ટ ટાર્ગેટ' બને છે. આ ઉપરાંત, શરીરનું ઊંચું તાપમાન પણ મચ્છરોને આપણી નજીક ખેંચી લાવે છે. તમે કયા રંગના કપડાં પહેર્યા છે તે પણ મચ્છરોને આકર્ષવા માટે જવાબદાર હોઈ શકે છે. સંશોધનો સૂચવે છે કે કાળા અથવા ઘેરા વાદળી જેવા ડાર્ક રંગો મચ્છરોને વધુ દેખાય છે, તેથી હળવા રંગના કપડાં પહેરનારા લોકો પર હુમલાની શક્યતા ઘટી જાય છે. આ ઉપરાંત, આલ્કોહોલ કે બીયરનું સેવન કરનારા લોકોના પરસેવામાં આવતા ફેરફારને કારણે પણ મચ્છરો તેમના તરફ વધુ ખેંચાય છે.

મચ્છરોથી બચવા માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા રિપેલન્ટ્સ અને નીલગિરીના તેલનો ઉપયોગ સૌથી અસરકારક માર્ગ છે. ઉનાળામાં સવારે અને સાંજના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમયે મચ્છરો સૌથી વધુ સક્રિય હોય છે. ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ અને આસપાસ ક્યાંય પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું એ નિવારણના શ્રેષ્ઠ ઉપાયો છે.