ભારતમાં LPG સંકટ: 14.2 કિલોને બદલે હવે 10 કિલો ગેસ સીલીન્ડર આપવાની તૈયારી !!
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી તણાવની સીધી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. હોર્મુઝ સ્ટ્રેટ માર્ગમાં અવરોધ આવતા ભારતની ઊર્જા સુરક્ષા જોખમાઈ છે, જેના પરિણામે દેશમાં એલપીજી (LPG) ના જથ્થામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ કટોકટીને પહોંચી વળવા માટે સરકાર હવે ગેસના વિતરણમાં મોટા ફેરફાર કરવાની દિશામાં વિચારી રહી છે.
ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારતની ગેસ આયાત પર બ્રેક વાગી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) હવે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ઘટાડો કરીને અછતને મેનેજ કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, હવે ગ્રાહકોને 14.2 kg ના સ્ટાન્ડર્ડ સિલિન્ડરમાં માત્ર 10 kg ગેસ ભરીને આપવામાં આવી શકે છે, જેથી ઉપલબ્ધ સ્ટોક વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડી શકાય.
યોજનાની મુખ્ય વિગતો:
કિંમતમાં ઘટાડો: જો ગેસનું વજન ઘટાડવામાં આવશે, તો તેની કિંમતમાં પણ તેટલા અંશે ઘટાડો કરવામાં આવશે.
નવી ઓળખ: આવા સિલિન્ડરો પર નવા સ્ટીકર લગાવીને ગ્રાહકોને માહિતગાર કરાશે.
હેતુ: જે પરિવારો પાસે ગેસ ખતમ થવા આવ્યો છે તેમને પ્રાથમિકતાના ધોરણે ઇંધણ પૂરું પાડવું.
પુરવઠાની ચિંતાજનક સ્થિતિ
ભારત પોતાની જરૂરિયાતનો અંદાજે 60% ગેસ આયાત કરે છે, જેમાંથી 90% હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. હાલમાં સ્થિતિ એટલી વિકટ છે કે, ગયા અઠવાડિયે માત્ર 2 જહાજો દ્વારા 92,700 ટન ગેસ આવ્યો હતો, જે દેશની માત્ર 1 દિવસની જરૂરિયાત સમાન છે. ભારતના 6 જેટલા LPG ટેન્કરો અત્યારે પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. દેશમાં દરરોજ 93,500 ટન ગેસનો વપરાશ છે, જેમાંથી 86% હિસ્સો સીધો જ ઘરેલુ વપરાશમાં જાય છે.
મંત્રાલયની અપીલ અને જમીની હકીકત
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પરિસ્થિતિને ગંભીર ગણાવતા નાગરિકોને ગેસનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં જ ગેસ વપરાશમાં 17% નો ઘટાડો જોવા મળ્યો છે. જોકે સરકાર સપ્લાય નિયમિત હોવાનો દાવો કરી રહી છે, પરંતુ સતત ઘટતો સ્ટોક અને આંતરરાષ્ટ્રીય દબાણ ગ્રાહકોમાં ગભરાટ પેદા કરી રહ્યા છે.