LPG સંકટ સામે સરકારનો મહત્વનો નિર્ણય : હવે પેટ્રોલ પંપ પર મળશે કેરોસીન, નિયમોમાં મોટી છૂટછાટ, શું ફરી આવશે જૂના દિવસો?
મધ્ય-પૂર્વમાં વણસેલી યુદ્ધની સ્થિતિ અને લોજિસ્ટિક્સના અવરોધો વચ્ચે દેશમાં સર્જાયેલી LPGની સંભવિત અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે કમર કસી છે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી તંગદિલી વચ્ચે ભારતીય જહાજોની સુરક્ષા અને દેશમાં ઈંધણનો પુરવઠો જાળવી રાખવા માટે વ્યૂહાત્મક ફેરફારો કરવામાં આવ્યા છે. આ કટોકટીના ઉકેલ રૂપે સરકારે એક મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક નિર્ણય લેતા વર્ષો પછી ફરી એકવાર પેટ્રોલ પંપો પર કેરોસીનના વેચાણને મંજૂરી આપી દીધી છે. ગેઝેટ નોટિફિકેશન દ્વારા જાહેર કરાયેલ આ અસ્થાયી છૂટછાટ હેઠળ, દરેક જિલ્લામાં પસંદગીના બે પેટ્રોલ પંપોને 5,000 લીટર સુધીનો કેરોસીનનો જથ્થો રાખવા અને તેનું વિતરણ કરવા માટે લાઈસન્સિંગ નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. ખાસ કરીને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા 60 દિવસ માટે સુપીરિયર કેરોસીન ઓઈલના એડ-હોક સપ્લાયને મંજૂરી મળી છે, જેથી સામાન્ય નાગરિકોને રસોઈ અને પ્રકાશ માટે વૈકલ્પિક ઈંધણ મળી રહે.
દેશમાં કમર્શિયલ LPGની ખેંચતાણ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કેરોસીનનો ઉપયોગ માત્ર ઘરેલુ હેતુઓ માટે જ કરી શકાશે. વર્ષ 2020માં દેશને કેરોસીન મુક્ત જાહેર કર્યા બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે બજારમાં કેરોસીનનું અધિકૃત રીતે પુનરાગમન થયું છે. બીજી તરફ, સમુદ્રી મોરચે રાહતના સમાચાર એ છે કે ભારતીય ધ્વજ ધરાવતા વધુ બે વિશાળ LPG ટેન્કર, 'બીડબલ્યુ ટીવાયઆર' અને 'બીડબલ્યુ ઈએલએમ', હોર્મુઝની ખાડીના જોખમી વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. આ જહાજો અંદાજે 94,000 ટન LPG કાર્ગો લઈને મુંબઈ અને ન્યૂ મેંગલોર બંદર તરફ આગળ વધી રહ્યા છે, જે આગામી 31 માર્ચ અને 1 એપ્રિલ સુધીમાં ભારત પહોંચશે. જોકે, ચિંતાની બાબત એ છે કે હજુ પણ 18 ભારતીય જહાજો અને 485 નાવિકો હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે, જેમના સુરક્ષિત પરિવહન માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
LPGની અછતને પહોંચી વળવા માટે સરકાર માત્ર સપ્લાય ચેઈન પર જ નિર્ભર નથી, પરંતુ માળખાગત પરિવર્તન પર પણ ભાર મૂકી રહી છે. માર્ચ મહિના દરમિયાન દેશભરમાં રેકોર્ડબ્રેક 2.9 લાખ નવા પીએનજી (PNG) કનેક્શન આપવામાં આવ્યા છે, જેથી રસોઈ ગેસ માટે LPG સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડી શકાય. આ સાથે જ હોટેલ, રેસ્ટોરાં અને આવશ્યક ઉદ્યોગોને કમર્શિયલ LPGનો પુરવઠો અવિરત મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરનારા સંગ્રહખોરો સામે પણ સરકારે લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે દેશભરમાં 2,900 જેટલા સ્થળોએ દરોડા પાડીને આશરે 1,000 જેટલા ગેરકાયદે સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી.