ભારતીય રસોડાને મળશે મોટી રાહત! યુદ્ધના જોખમ વચ્ચે ગેસનો જથ્થો લઈને આવ્યું 'મેગા શિપ'
મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઓઈલ અને ગેસના પુરવઠાને લઈને ગંભીર ચિંતા જન્મી છે. ભારતમાં ગેસની અછત સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. જોકે, રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસથી નીકળેલું અને સિંગાપોરનો ધ્વજ ધરાવતું 'પાઇક્સિસ પાયનિયર' જહાજ 16,714 ટન LPG ના જથ્થા સાથે મેંગલોર બંદર પર સુરક્ષિત રીતે પહોંચી જતાં મોટી રાહત થઈ છે. આ વિશાળ જહાજ ગત 14 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ પોર્ટથી ભારત આવવા રવાના થયું હતું. લાલ સમુદ્ર અને મિડલ ઈસ્ટના દરિયાઈ વિસ્તારોમાં ચાલતા યુદ્ધ અને જોખમો વચ્ચે પણ આ જહાજે પોતાની સફર પૂર્ણ કરી છે.
રવિવારે સવારે મેંગલોર પોર્ટ પર લાંગર્યા બાદ ગેસ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આ જહાજ સોમવારે સવારે પુનઃ રવાના થશે, ભારતની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓએ અગાઉથી જ વ્યૂહાત્મક આયોજન કર્યું છે. મેંગલોર બંદર પર ઉતરનારા આ મસમોટા ગેસના જથ્થાને પાઇપલાઇન દ્વારા બેંગલુરુ અને દક્ષિણ ભારતના અન્ય મહત્વના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
આ પુરવઠો સુનિશ્ચિત કરવાથી યુદ્ધ જેવી સ્થિતિમાં પણ દક્ષિણ ભારતના રસોડામાં ગેસની અછત ઊભી નહીં થાય. સરકારની આ તકેદારીને કારણે સામાન્ય જનતા પર ગેસના ભાવવધારા કે અછતની તાત્કાલિક અસર પડતી અટકાવી શકાશે. બીજી તરફ, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે.હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર ખોરવાતા ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો 48 કલાકમાં હોર્મુઝમાં સામાન્ય અવરજવર શરૂ નહીં થાય, તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્રોને નષ્ટ કરી નાખશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે. મિડલ ઈસ્ટના યુદ્ધમાં હવે અમેરિકા સીધું સામેલ થાય તેવી શક્યતા વધી ગઈ છે. રસોઈ ગેસના જથ્થાનું ભારત પહોંચવું એ સામાન્ય નાગરિકો માટે દિલાસાના સમાચાર છે. આગામી દિવસોમાં આવનારા અન્ય જહાજો ભારતના ગેસ રિઝર્વને વધુ મજબૂત બનાવશે, જે યુદ્ધના સંકટ સામે રક્ષણ આપશે.