April 2, 2026
ગુજરાત

ચાલો માધવપુર....ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે PM મોદીનું ખાસ આમંત્રણ

03:30:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચાલો માધવપુર....</strong></span>ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે PM મોદીનું ખાસ આમંત્રણ</p>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોરબંદરમાં યોજાઈ રહેલા ઐતિહાસિક અને પૌરાણિક માધવપુર મેળા માટે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિશેષ પોસ્ટ દ્વારા પ્રધાનમંત્રીએ આ મેળાને ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે દેશના ખૂણે-ખૂણેથી લોકોને આ જીવંત ઉત્સવનો હિસ્સો બનવા અને ભારતની વિવિધતાનો અનુભવ કરવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમની પોસ્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે માધવપુરનો મેળો માત્ર એક પરંપરાગત મેળો નથી, પરંતુ તે ગુજરાત અને પૂર્વોત્તર ભારત વચ્ચેના અવિરોધ અને શાશ્વત સાંસ્કૃતિક સંબંધોનું પ્રતિબિંબ છે.

આ ઉત્સવ પશ્ચિમ અને પૂર્વોત્તરના પ્રદેશોને એક તાંતણે બાંધે છે, મોદીએ ઉમેર્યું કે આ કાર્યક્રમ વિવિધ પરંપરાઓને એકસાથે લાવીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પહેલની સાચી ભાવનાને વિશ્વ સમક્ષ ઉજાગર કરે છે. પોતાના સંબોધનમાં પૌરાણિક સંદર્ભ આપતા PM મોદીએ જણાવ્યું કે, હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પૂર્વોત્તરની રાજકુમારી રુક્મિણીજી સાથે થયા હતા. આ દિવ્ય લગ્ન પ્રસંગ પોરબંદરના માધવપુર ઘેડના દરિયાકિનારે સંપન્ન થયો હતો. આ પૌરાણિક ઘટનાની સ્મૃતિમાં આજે પણ અહીં ભવ્ય મેળો યોજાય છે, જે ભારતની ભૌગોલિક સીમાઓને ઓળંગીને સાંસ્કૃતિક એકતાનો મજબૂત સેતુ સાબિત થાય છે. આ મેળાની વિશેષતા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હવે આ મેળામાં આધુનિકતા અને પરંપરાનો સંગમ જોવા મળે છે. એક અઠવાડિયા સુધી ચાલતા આ મેળામાં પૂર્વોત્તરના તમામ રાજ્યોના કલાકારો, હસ્તકલાના કારીગરો અને સંગીતકારો ભાગ લે છે. પૂર્વોત્તરની કલા અને સંસ્કૃતિ જ્યારે ગુજરાતના દરિયાકિનારે પ્રદર્શિત થાય છે, ત્યારે તે પ્રવાસન અને સ્થાનિક રોજગારી માટે પણ નવા દ્વાર ખોલે છે.

પ્રધાનમંત્રીએ લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ આ મેળા વિશે વધુમાં વધુ વાંચે અને તેની મુલાકાત લે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માધવપુર ઘેડનો મેળો આવનારા સમયમાં ભારતની એકતાને વધુ સુદ્રઢ બનાવશે. ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો આ ત્રિવેણી સંગમ દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે, જે દેશની અસ્મિતાને નવી ઓળખ આપે છે.