વેરની અગ્નિ હજુ ઠરી નથી? : માધવપુરામાં જે દીકરાની હત્યા કરી, તે જ ઘરની બહાર ગાડીમાં કરી તોડફોડ; CCTVમાં કેદ થયો લુખ્ખાગીરીનો ખેલ...
અમદાવાદના માધવપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે વર્ષ પહેલાં હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર આરોપીએ જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરી એ જ પરિવારને નિશાન બનાવી આતંક મચાવ્યો છે. શહેરના વેપાર ભવન પાસે રહેતા જૈમીન ઠાકોરનો પરિવાર જ્યારે ગત 31 માર્ચની રાત્રે ખાટુશ્યામ મંદિરથી દર્શન કરીને પરત ફર્યો હતો, ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે તેમના ઘરની સુરક્ષિત મનાતી દેહલી પર ફરી આફત ત્રાટકશે. રાત્રિના સુમારે જ્યારે પરિવાર ગાડી પાર્ક કરી નિદ્રાધીન હતો, ત્યારે અંધારાનો લાભ લઈને લોખંડની પાઈપો અને દંડા સાથે આવેલા અસામાજિક તત્વોએ ઘરની બહાર પડેલી ગાડી પર નિર્મમ હુમલો કર્યો હતો. સવારે જ્યારે જૈમીન ઠાકોરે ઘરની બહાર આવીને જોયું તો તેમની ગાડીના આગળ અને પાછળના કાચના ફૂરચા ઉડી ગયા હતા અને ગાડીના દરવાજા પર પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
રાજ ઠાકોર
ઘટનાની ગંભીરતા જોતા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા હકીકત સામે આવી કે એક એક્ટિવા પર સવાર થઈને કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોર નામના ત્રણ શખ્સો પાઈપો સાથે ત્રાટક્યા હતા અને ગાડીમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા.
દિપક ઠાકોર
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલાનો મુખ્ય સૂત્રધાર કરણ રાજપૂત છે, જેણે બે વર્ષ પહેલાં જૈમીન ઠાકોરના પરિવારના એક યુવાનની ઘાતકી હત્યા કરી હતી. આ હત્યારો સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો અને સમાજમાં શાંતિ જાળવવાને બદલે તેણે જૂની અદાવતનો ખાર રાખીને ફરી એ જ પરિવારને માનસિક અને આર્થિક રીતે ટોર્ચર કરવાનો પ્રયાસ કર્યો છે.
સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો ગુનેગારોના મનમાં રહેલા પોલીસના ડરના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે. હાલમાં માધવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.