ડેન્ટલ શિક્ષણમાં મોટા ફેરફાર: હવે NExT પરીક્ષા પાસ કરવી ફરજિયાત, ખાનગી કોલેજોની ફી પર અંકુશ
તબીબી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને પારદર્શિતા લાવવા માટે સરકાર સતત મોટા સુધારા કરી રહી છે. જૂના પુરાણા નિયમોને સ્થાને આધુનિક અને વૈશ્વિક ધોરણો મુજબનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રીધારી ડોક્ટરો જ નહીં પરંતુ કુશળ અને સક્ષમ ડેન્ટિસ્ટ તૈયાર કરવાનો છે.
દેશમાં ડેન્ટિસ્ટ બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 'નેશનલ ડેન્ટલ કમિશન એક્ટ 2023' ના અમલીકરણ સાથે જ ડેન્ટલ શિક્ષણ અને પ્રેક્ટિસના જૂના માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે માત્ર BDS ની ડિગ્રી મેળવવી પૂરતી નહીં રહે, પરંતુ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે વધારાની કસોટીમાંથી પસાર થવું પડશે.
NExT પરીક્ષા: પ્રેક્ટિસ માટેનો નવો પડકાર
નવા કાયદા મુજબ, હવે તમામ ડેન્ટલ વિદ્યાર્થીઓ માટે NExT (National Exit Test) પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી છે. અગાઉ ડિગ્રી મળતા જ પ્રેક્ટિસ શરૂ કરી શકાતી હતી, પરંતુ હવે NExT પાસ કર્યા બાદ જ લાયસન્સ મળશે. વિદેશમાં ડેન્ટલ અભ્યાસ કરીને ભારત પરત ફરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પરીક્ષા અનિવાર્ય રહેશે. આ પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીઓની ક્લિનિકલ ક્ષમતા અને વિષયવસ્તુના જ્ઞાનની ચોકસાઈ તપાસવાનો છે.
ખાનગી કોલેજોની ફી પર અંકુશ
મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે, નવી સિસ્ટમ હેઠળ ખાનગી ડેન્ટલ કોલેજોની 50% બેઠકો પર ફીનું નિયમન સરકાર હસ્તક રહેશે. આ નિર્ણયથી ખાનગી કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવતી તોતિંગ ફી પર લગામ આવશે અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ શિક્ષણ વધુ સુલભ બનશે.
વહીવટી માળખામાં પરિવર્તન
નવા કાયદા હેઠળ રાજ્ય ડેન્ટલ કાઉન્સિલની ભૂમિકામાં પણ ફેરફાર કરાયા છે. હવે સભ્યોની પસંદગી ચૂંટણીને બદલે નિમણૂક દ્વારા કરવામાં આવશે, જેથી વહીવટી પ્રક્રિયામાં ગતિ આવશે. આ ઉપરાંત, વિદેશી ડેન્ટલ ડોક્ટરોને પણ ભારતમાં કામચલાઉ નોંધણી સાથે પ્રેક્ટિસની મંજૂરી અપાશે, જેનાથી ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય અનુભવનું આદાન-પ્રદાન વધશે.
તબીબી ક્ષેત્રમાં થયેલા 'નેશનલ મેડિકલ કમિશન' (NMC) જેવા જ આ સુધારાઓ ડેન્ટલ શિક્ષણને નવા સ્તરે લઈ જશે અને દર્દીઓને પણ વધુ સારા નિષ્ણાતોની સેવાઓ પ્રાપ્ત થશે.