April 9, 2026
ગુજરાત

માળિયામાં 24 બેઠકો અને શૂન્ય દાવેદાર, સેન્સ લેવા આવેલા નેતાઓ જોતા રહી ગયા વાટ, પણ ભાજપમાં દાવેદારી નોંધાવા કોઈ કાર્યકરે ન ધર્યો ટિકિટ માટે હાંથ... 

02:31:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>માળિયામાં 24 બેઠકો અને શૂન્ય દાવેદાર,</strong></span> સેન્સ લેવા આવેલા નેતાઓ જોતા રહી ગયા વાટ, <strong>પણ ભાજપમાં દાવેદારી નોંધાવા કોઈ કાર્યકરે ન ધર્યો ટિકિટ માટે હાંથ... </strong></p>

ગુજરાતના રાજકારણમાં અજેય ગણાતી અને શિસ્તબદ્ધ સંગઠનનું ઉદાહરણ પૂરું પાડતી ભારતીય જનતા પાર્ટી માટે મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં એક અત્યંત શિથિલ અને ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. સામાન્ય રીતે ભાજપમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરો અને નેતાઓ વચ્ચે પડાપડી થતી હોય છે, એક-એક બેઠક પર દસ-દસ દાવેદારો લાઈન લગાવતા હોય છે, પરંતુ માળિયા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે જે દ્રશ્યો જોવા મળ્યા તેણે પ્રદેશ નેતૃત્વને પણ વિચારતું કરી દીધું છે. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે જ્યારે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે એક પણ કાર્યકર કે નેતા દાવેદારી નોંધાવવા માટે ડોકાયો નહોતો. નિરીક્ષકો કલાકો સુધી બેસી રહ્યા, ફોર્મ અને ફાઈલો તૈયાર હતી, પરંતુ માળિયા શહેરી વિસ્તારમાંથી કોઈએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા સુદ્ધાં વ્યક્ત ન કરતા ભાજપ માટે આ સ્થિતિ 'દીવો લઈને ઉમેદવાર શોધવા' જેવી સર્જાઈ છે. 

રાજકીય નેતાઓ આ ઘટનાને ભાજપ માટે એક મોટા ઝટકા સમાન માની રહ્યા છે, કારણ કે ગુજરાતના ઈતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હશે કે સત્તાધારી પક્ષને આખી નગરપાલિકા માટે એક પણ દાવેદાર ન મળે. ગત ૨જી એપ્રિલના રોજ બપોરે 2:30 થી 4:30ના નિર્ધારિત સમયે પ્રદેશમાંથી ખાસ મોકલાયેલા નિરીક્ષકો રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા માળિયાના કાર્યકરોની રાહ જોતા રહ્યા હતા. આ નિરીક્ષકોનો હેતુ સ્થાનિક કાર્યકરોનો મૂડ પારખીને સક્ષમ ચહેરાઓની યાદી તૈયાર કરવાનો હતો, પરંતુ સમય વીતતો ગયો અને ખુરશીઓ ખાલી રહી. માળિયામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે અને આ વિસ્તાર હંમેશા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થયો છે, પરંતુ આ વખતે તો લડત આપતા પહેલા જ મેદાન ખાલી જેવી સ્થિતિ સર્જાતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. 

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે માળિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે તો કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને ત્યાં મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની ઈચ્છા શક્તિ દર્શાવી છે, પરંતુ નગરપાલિકાના કિસ્સામાં પરિસ્થિતિ કઈક અલગ છે. તેમણે સ્વીકાર્યું હતું કે હાલમાં 24 બેઠકો પર કોઈ સામે આવ્યું નથી અને તેના માટે સંકલનની પ્રક્રિયા ચાલી રહી છે. માળિયામાં ભાજપનું સંગઠન કેમ આટલું નબળું પડ્યું અથવા કાર્યકરોમાં ચૂંટણી લડવાનો ઉત્સાહ કેમ ઓસરી ગયો, તે પ્રશ્ન અત્યારે ગલીએ ગલીએ ચર્ચાઈ રહ્યો છે. શું સ્થાનિક નેતાગીરીમાં અસંતોષ છે કે પછી કોંગ્રેસના ગઢમાં હારના ડરથી કોઈ આગળ આવવા તૈયાર નથી, તે એક મોટો સવાલ છે.

પ્રશ્ન એ છે કે શું ખેંચી-તાણીને ઉભા રખાયેલા ઉમેદવારો કોંગ્રેસના મજબૂત ગઢમાં ટકી શકશે? શું આ માત્ર રણનીતિનો ભાગ છે કે ખરેખર ભાજપ પાસે કાર્યકરોનો દુકાળ પડ્યો છે? સામાન્ય રીતે ભાજપ જે તે વિસ્તારમાં પેજ સમિતિ અને બૂથ લેવલ સુધી મજબૂત હોવાનો દાવો કરે છે, તો પછી 24 બેઠકો માટે 24 નામ પણ કેમ ન મળ્યા? આ ઘટનાએ ભાજપના 'મિશન ગુજરાત'માં એક મોટું ગાબડું પાડ્યું છે.

હવે જ્યારે આગામી સમયમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે, ત્યારે જ ખબર પડશે કે ભાજપ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવે છે. શું પક્ષ અન્ય પક્ષના નેતાઓને આયાત કરશે કે પછી પોતાના નિષ્ક્રિય કાર્યકરોને મનાવીને ટિકિટ લેવા રાજી કરશે? 

માળિયાની આ ઘટના ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ એક ચેતવણી સમાન છે કે જો સંગઠન અને જમીની સ્તરના કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવશે, તો ગમે તેટલી મોટી લહેર હોય, ઉમેદવાર શોધવા પણ મુશ્કેલ બની જશે. પરિણામે, માળિયાની 24 બેઠકો પર કમળ ખીલશે કે પછી દાવેદારોના અભાવે પક્ષે પીછેહઠ કરવી પડશે, તે જોવું રસપ્રદ રહેશે. અત્યારે તો માળિયાની બજારમાં એક જ ચર્ચા છે કે, ભાજપ જેવા શક્તિશાળી પક્ષને પણ આજે ઉમેદવાર માટે વલખાં મારવા પડી રહ્યા છે, જે લોકશાહીમાં રાજકીય સમીકરણો ગમે ત્યારે પલટાઈ શકે છે તેનો જીવંત પુરાવો છે.