અમે ગુજરાતીઓ મૂર્ખ નથી! : મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' કહેતાં ભાજપના કાર્યકરોનો રોષ, અમદાવાદમાં માફીની માંગ સાથે BJPનો વિરોધ પ્રદર્શન
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ પવિત્ર ભૂમિ ગુજરાતનું અપમાન હવે ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે તેવા પ્રચંડ નાદ સાથે આજે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ મૌન વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહીને સંબોધવામાં આવતા સમગ્ર રાજ્યમાં રોષની લાગણી ફેલાઈ છે. આ વિવાદિત નિવેદનના વિરોધમાં ભાજપ કર્ણાવતી મહાનગર દ્વારા આજે મંગળવારે સાંજે 4 કલાકે પૂજ્ય બાપુની પ્રતિમા પાસે એકત્ર થઈને તમામ કાર્યકરો અને નેતાઓએ મૌન ધરણા કર્યા હતા. ભાજપના કાર્યકરોએ 'અમે ગુજરાતીઓ મૂર્ખ નથી' અને 'કોંગ્રેસ માફી માંગે' તેવા લખાણ ધરાવતા પોસ્ટરો પ્રદર્શિત કરી કોંગ્રેસની માનસિકતા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતનું અપમાન અસહ્ય
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી નેતા પ્રેરક શાહએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા નિવેદનો કરીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત અને મૂર્ખ કહીને માત્ર રાજ્યનું જ નહીં પરંતુ દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપનારા કરોડો ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આજે ગુજરાત સમગ્ર દેશ માટે 'ગ્રોથ એન્જિન' સાબિત થયું છે અને તે અહીંની જનતાની સૂઝબૂઝ, મહેનત અને શિક્ષણના પ્રતાપે જ શક્ય બન્યું છે. ગુજરાતીઓ વેપાર અને સંસ્કારમાં વિશ્વભરમાં મોખરે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો આ બફાટ અત્યંત નિંદનીય છે. જો કોંગ્રેસ આ નિવેદન બદલ જાહેર માફી નહીં માંગે તો આગામી દિવસોમાં જનતા તેને યોગ્ય જવાબ આપશે.
ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ભોગવવું પડશે પરિણામ
પ્રેરક શાહ
વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ભાજપના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ હંમેશા ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે. પ્રેરક શાહએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના લોકો ઈમાનદાર અને મહેનતુ છે, તેઓ જાણે છે કે કોણે દેશના વિકાસમાં અને કોણે માત્ર વિરોધ કરવામાં સમય વિતાવ્યો છે. ખડગેના આ નિવેદનથી જનતામાં ભારે નારાજગી છે, જેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે. લોકોમાં એવો સંદેશ વહેતો થયો છે કે કોંગ્રેસને ગુજરાતની પ્રગતિની અદેખાઈ આવે છે, તેથી જ તેઓ આવા હીન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. આ મૌન વિરોધ પ્રદર્શન દ્વારા ભાજપે એ સાબિત કર્યું છે કે ગુજરાતના સ્વાભિમાન સાથે બાંધછોડ કરનાર કોઈપણ પક્ષ કે નેતાને અહીંના લોકો ક્યારેય સ્વીકારશે નહીં.