ખડગેના નિવેદનથી 6.50 કરોડ ગુજરાતીઓનું અપમાન: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભે કરવામાં આવેલા તાજેતરના નિવેદનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારના આ બંને દિગ્ગજ નેતાઓએ ખડગેના નિવેદનને "ગુજરાત વિરોધી માનસિકતા" ગણાવીને રાજ્યની 6.50 કરોડ જનતાનું અપમાન ગણાવ્યું છે.
ગાંધી અને સરદારની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખડગેના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે રાજ્યના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે. આ નિવેદન માત્ર પક્ષપાતી નથી, પરંતુ અત્યંત આપત્તિજનક અને ગાંધી-સરદારની ગરિમાને ઠેસ પહોંચાડનારું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે હંમેશા ગુજરાત પ્રત્યે અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્નથી સન્માનિત કરવામાં જે વિલંબ થયો અને નર્મદા ડેમના દરવાજાની ઊંચાઈ વધારવા માટે જે અવરોધો ઊભા કરાયા, તે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાના પુરાવા છે. ખેડૂતોને રાસાયણિક ખાતરની ફાળવણીમાં પણ કોંગ્રેસ શાસનમાં અન્યાય થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
કોંગ્રેસના DNA માં ગુજરાતીઓ માટે ઝેર: હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એ કોંગ્રેસની બીમાર માનસિકતાનું પરિણામ છે. જો કોંગ્રેસના DNA તપાસવામાં આવે તો ખ્યાલ આવશે કે તેમાં ગુજરાતીઓ માટે માત્ર ઝેર ભરેલું છે. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે કોંગ્રેસ કેમ ગુજરાતીઓને ગાળો આપીને પ્રચારની શરૂઆત કરે છે ? સંઘવીએ આક્ષેપ કર્યો હતો કે આ નિવેદન જાણીજોઈને કરવામાં આવ્યું છે અને તે કોંગ્રેસની હાર અને નિરાશા દર્શાવે છે.
આર્થિક પ્રગતિ અને કોંગ્રેસની નકારાત્મકતા
હર્ષ સંઘવીએ રાજ્યની આર્થિક શક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું 17 ટકા યોગદાન છે. ગિફ્ટ સિટી અને સાણંદ જેવા પ્રોજેક્ટ્સ દેશના હબ બની રહ્યા છે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં રોકાણ ન થાય તેવા પેંતરા કરી રહી છે. તેમણે આકરા શબ્દોમાં પૂછ્યું કે, શું આ નિવેદન રાહુલ ગાંધી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપ્યું છે ? તેમણે માંગ કરી હતી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજ્યની જનતાની તાત્કાલિક માફી માંગે.
ચૂંટણી ટાણે 'બફાટ' થી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો
5 રાજ્યોની આગામી ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે ખડગેના આ કથિત "બફાટ" થી ભાજપને મોટો મુદ્દો મળી ગયો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યની જનતા હવે આ પ્રકારના અપમાનને સહન કરશે નહીં અને જનતા જ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. આ વિવાદને કારણે આગામી દિવસોમાં કોંગ્રેસ માટે પ્રચારના મેદાનમાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે.