ગુજરાતમાં કુપોષણનો ભરડો: કરોડોના ખર્ચ બાદ પણ શિશુ મૃત્યુદર ચિંતાજનક સ્તરે
કુપોષણ એટલે માત્ર ખોરાકની અછત નહીં, પરંતુ શરીરના વિકાસ માટે જરૂરી પોષક તત્વોનો અભાવ. જ્યારે સગર્ભા માતા અથવા નવજાત શિશુને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ મળતા નથી, ત્યારે તે કુપોષણનો શિકાર બને છે. કુપોષણ એ કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના ભાવિ માટે ઉધઈ સમાન છે, કારણ કે તે માત્ર શારીરિક નબળાઈ જ નહીં, પણ બાળકના માનસિક વિકાસને પણ અવરોધે છે અને ગંભીર કિસ્સાઓમાં તે મૃત્યુનું કારણ બને છે.
સરકારી દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈ
રાજ્ય સરકાર દ્વારા 'કુપોષણમુક્ત ગુજરાત'ના સંકલ્પ સાથે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે અનેક પોષણલક્ષી યોજનાઓ કાગળ પર મજબૂત દેખાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ હજુ પણ ગંભીર છે. ભ્રષ્ટાચાર અને યોજનાઓના નબળા અમલીકરણને કારણે જરૂરિયાતમંદ બાળકો સુધી પોષણ પહોંચવાને બદલે વચેટિયાઓ ફાવી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા 6 વર્ષના આંકડા રાજ્યની આરોગ્ય વ્યવસ્થા અને પોષણ અભિયાન સામે સવાલો ઉભા કરે છે.
ચિંતાજનક આંકડાકીય વિગતો
છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં કુલ મૃત્યુ પામેલા નવજાત શિશુઓ: 1,13,000
વર્ષ 2017 થી 2022 દરમિયાન ગુજરાતમાં થયેલા કુલ જન્મ: 69,03,000
જન્મ સમયે 2.5 kg થી ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા: 8,12,896
જન્મના પ્રથમ 24 કલાકમાં જ જીવ ગુમાવનાર શિશુઓ: 18,231
જન્મના એક વર્ષની અંદર મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા: 83,538
દર વર્ષે સરેરાશ 24 કલાકમાં મૃત્યુ પામતા બાળકો: 15,000
1 થી 5 વર્ષની વયના કુલ મૃત્યુ પામેલા બાળકો: 1,13,650
રાષ્ટ્રીય પોષણ મિશન-2017 ની ગાઈડલાઈન મુજબ ઓછા વજનવાળા બાળકોના પ્રમાણમાં 2% નો ઘટાડો કરવાનો લક્ષ્યાંક હતો, જે હજુ સુધી સિદ્ધ થઈ શક્યો નથી. સગર્ભા બહેનોની કાળજી લેવા છતાં ઓછા વજનવાળા બાળકોના જન્મનું પ્રમાણ ઘટતું નથી, જે સીધું જ માતાના કુપોષણ તરફ આંગળી ચીંધે છે. જો યોજનાઓનું યોગ્ય મોનિટરિંગ કરવામાં નહીં આવે, તો 'કુપોષણમુક્ત ગુજરાત'નું સ્વપ્ન માત્ર એક નારો બનીને રહી જશે.