April 7, 2026
ભારત

ક્યાં સુધી નિર્દોષોનો ભોગ? મણિપુરમાં રોકેટ હુમલામાં બે બાળકોના કરુણ મોત, સ્થિતિ વણસતા ઇન્ટરનેટ પર પ્રતિબંધ

04:09:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ક્યાં સુધી નિર્દોષોનો ભોગ?</strong></span> મણિપુરમાં રોકેટ હુમલામાં બે બાળકોના કરુણ મોત, સ્થિતિ વણસતા ઇન્ટરનેટ પર પ્રતિબંધ</p>

મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં મધ્યરાત્રિએ આશરે એક વાગ્યાની આસપાસ શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી બોમ્બ અને રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. મોઇરાંગ ટ્રોન્ગલાઓબી વિસ્તારમાં થયેલા આ હુમલાએ સમગ્ર રાજ્યને ફરી એકવાર આઘાતમાં મૂકી દીધું છે. આ કરુણ ઘટનામાં એક જીવંત બોમ્બ સીધો જ એક રહેણાંક મકાન પર આવીને પડ્યો હતો. આ પ્રચંડ વિસ્ફોટમાં ઘરમાં સૂઈ રહેલા પાંચ વર્ષના બાળક અને માત્ર છ મહિનાની બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ હુમલામાં બાળકોની માતા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નિર્દોષ બાળકોના મોતની ખબર ફેલાતા જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાયની માંગ સાથે ઉશ્કેરાયેલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નજીકના પેટ્રોલ પંપ પાસે ઉભેલા બે ઓઇલ ટેન્કર તેમજ એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ પોલીસ સ્ટેશન સામે ટાયરો સળગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ભીડને કાબૂમાં લેવા અને અન્ય સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પોલીસ અને અર્ધલશ્કરી દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સુરક્ષાના પગલે ઈમ્ફાલ સહિત પાંચ સંવેદનશીલ જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

હિંસા અને અફવાઓ પર અંકુશ લાવવા માટે પ્રશાસન દ્વારા કેટલાક વિસ્તારોમાં કરફ્યુ પણ લાદવામાં આવ્યો છે. મણિપુરના મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે આ હુમલાને 'બર્બર કૃત્ય' ગણાવીને તેની સખત નિંદા કરી છે. તેમણે આ ઘટનાને માનવતા પરનો હુમલો ગણાવતા ખાતરી આપી છે કે આ અપરાધ માટે જવાબદાર તત્ત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે. અન્ય કોઈ છુપાયેલા વિસ્ફોટકો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે સમગ્ર મણિપુરમાં ફરી એકવાર ભારેલા અગ્નિ જેવી અને તણાવપૂર્ણ સ્થિતિ પેદા થઈ છે.