April 1, 2026
ગુજરાત

વડાપ્રધાનના કાર્યક્રમમાં ભીડ જમાવવા વિદ્યાર્થીઓનો ઉપયોગ? મનીષ દોશીએ કર્યા આક્ષેપો... 

02:20:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વડાપ્રધાનના કાર્યક્રમમાં ભીડ જમાવવા વિદ્યાર્થીઓનો ઉપયોગ?</strong></span> મનીષ દોશીએ કર્યા આક્ષેપો... </p>

ગુજરાતમાં વડાપ્રધાનના આગામી કાર્યક્રમને સફળ બનાવવા અને જંગી મેદની એકઠી કરવા માટે હવે ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓનો સહારો લેવામાં આવતા એક નવો વિવાદ છેડાયો છે. કમિશનર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા રાજ્યની 47 જેટલી એન્જિનિયરિંગ કોલેજોને સત્તાવાર રીતે સૂચના આપી દેવામાં આવી છે કે, દરેક કોલેજે પોતાની ક્ષમતા મુજબ 50 થી 250 વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર રાખવા પડશે. શિક્ષણ વિભાગના આ આદેશ સામે વિપક્ષી નેતાઓ અને ખાસ કરીને કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર પોતાની રાજકીય તાકાત બતાવવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓનો ઉપયોગ માત્ર 'ભીડ' તરીકે કરી રહી છે, જે લોકશાહી અને શિક્ષણ વ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

મનિષ દોશીએ આ મામલે સરકારની નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, આ આદેશ ટેકનિકલ એજ્યુકેશનને ખાડે નાખવાના સુવ્યવસ્થિત કાવતરાનો એક ભાગ છે. એક તરફ રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની 50 ટકાથી વધુ જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે, અને બીજી તરફ આ ખાલી જગ્યાઓ ભરવાને બદલે સરકાર વિદ્યાર્થીઓને શિક્ષણના કલાકો બગાડીને કાર્યક્રમોમાં હાજરી આપવા મજબૂર કરી રહી છે. તેમણે કટાક્ષમાં ટેકનિકલ એજ્યુકેશન કમિશનરને એવી પણ વિનંતિ કરી હતી કે જો તેઓ વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં આટલા સક્રિય હોય, તો સાથે સાથે કોલેજોમાં ખાલી પડેલી પ્રોફેસરોની જગ્યાઓનું લિસ્ટ પણ બનાવે અને જાહેર કરે.

આ વિવાદ હવે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એન્જિનિયરિંગ જેવા ગંભીર વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજકીય હેતુઓ માટે પાયદળ બનાવવાની વૃત્તિ સામે સવાલો ઉઠી રહ્યા છે. દોશીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો વિદ્યાર્થીઓ લેક્ચર અને લેબોરેટરીમાં બેસવાને બદલે રાજકીય સભાઓમાં ભીડ વધારવા માટે જશે, તો ગુજરાતમાં કુશળ ઇજનેરો કેવી રીતે તૈયાર થશે? શિક્ષણ જગતમાં એવી ચર્ચા છે કે જ્યારે યુનિવર્સિટીઓ અને કોલેજો સ્વાયત્ત હોવી જોઈએ, ત્યારે સરકારી મશીનરીનો ઉપયોગ આ પ્રકારે કાર્યક્રમોને "હાઉસફુલ" બતાવવા માટે કરવો એ શિક્ષણની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે.