અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારત આવશે, દ્વિપક્ષીય સંબંધોને મળશે નવી ઉંચાઈ

બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારત અને અમેરિકાએ આતંકવાદ અને સંરક્ષણ મુદ્દે અત્યંત મહત્વનો 'માસ્ટર પ્લાન' તૈયાર કર્યો છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ વોશિંગ્ટનમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને FBI ડાયરેક્ટર કાશ પટેલ સાથે કરેલી હાઈ-લેવલ બેઠકોએ પાકિસ્તાન અને ચીન છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ મુલાકાત દરમિયાન માત્ર આતંકવાદ વિરોધી એક્શન જ નહીં, પરંતુ AI અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં પણ ઐતિહાસિક સમજૂતી થઈ છે.
સૌથી મહત્વના સમાચાર એ છે કે, અમેરિકી વિદેશ મંત્રી રુબિયો આવતા મહિને ભારતની મુલાકાતે આવી શકે છે, જે બંને લોકશાહી દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી અને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જશે. આ હાઈ-લેવલ વિઝિટથી ભારત અને અમેરિકા વચ્ચેની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ અને નવી ઊંચાઈ મળશે. વોશિંગ્ટનમાં યોજાયેલી આ શ્રેણીબદ્ધ બેઠકોમાં ભારતે અમેરિકી તપાસ એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલ સાથે પણ સુરક્ષા અંગે મંથન કર્યું હતું. જેમાં મુખ્યત્વે આતંકવાદ વિરોધી અભિયાન, સંગઠિત ગુનાખોરી અને માદક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે ગુપ્ત માહિતીના આદાન-પ્રદાન અને મજબૂત સહયોગ પર સહમતિ બની છે.
પાકિસ્તાન અને પશ્ચિમ એશિયાની બદલાતી સ્થિતિ વચ્ચે ભારત-અમેરિકાનું આ સુરક્ષા કવચ અત્યંત મહત્વનું મનાય છે. વિક્રમ મિસરી અને માર્કો રુબિયો વચ્ચેની ચર્ચામાં 'ક્રિટિકલ મિનરલ્સ' અને ડિફેન્સ ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.બંને દેશો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મહત્વપૂર્ણ ટેકનોલોજી ક્ષેત્રે 'પેક્સ સિલિકા' હેઠળ સહયોગ વધારવા સંમત થયા છે. આ ઉપરાંત ક્વાડ ગ્રુપિંગને વધુ શક્તિશાળી બનાવવા અંગે પણ હકારાત્મક ચર્ચા થઈ હતી.
વિદેશ સચિવે પશ્ચિમ એશિયા અને ફારસની ખાડીમાં પ્રવર્તી રહેલા તણાવ અંગે વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. પરંતુ ભવિષ્યની ટેકનોલોજીમાં પણ અમેરિકાનું મુખ્ય ભાગીદાર બનીને ઉભરી રહ્યું છે.