મહેસાણા: તાવડીયા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર, DP પ્લાનના વિરોધમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પાબંદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે મહેસાણા મહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં સમાવિષ્ટ થયેલા તાવડીયા ગામમાં ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. નવીન ડેવલપમેન્ટ પ્લાન સામે પોતાનો વિરોધ નોંધાવતા ગ્રામજનોએ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગામના પ્રવેશદ્વાર અને વિવિધ ચોકોમાં બેનરો લગાવીને રાજકીય પક્ષોને પ્રચાર માટે ગામમાં ન આવવા કડક ચેતવણી આપવામાં આવી છે.
ખેતીની જમીન અને આજીવિકા પર જોખમ
તાવડીયા ગ્રામજનોનો મુખ્ય વિરોધ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ડેવલપમેન્ટ પ્લાન સામે છે. ખેડૂતોનું કહેવું છે કે, જો આ પ્લાનનો અમલ કરવામાં આવશે તો અનેક પરિવારો પોતાની પેઢીઓ જૂની ખેતીની જમીન ગુમાવશે. જમીન સંપાદનને કારણે ખેડૂતોની આજીવિકા છીનવાઈ જવાની અને ગ્રામીણ અર્થતંત્રના મુખ્ય આધાર સમાન પશુપાલન વ્યવસાય પર તેની માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે, વિકાસના નામે પાયાની જમીન છીનવી લેવી તે અન્યાય છે.
ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને રિંગરોડ રદ કરવાની માંગ
ગામમાં લગાવવામાં આવેલા બેનરોમાં ગ્રામજનોએ તેમની મુખ્ય માંગણીઓ સ્પષ્ટપણે વર્ણવી છે. ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સામેલ કરવાના નિર્ણયનો કડક વિરોધ કરવામાં આવ્યો છે અને તેને ફરીથી ‘એગ્રીકલ્ચર ઝોન’ માં મૂકવા માંગ કરાઈ છે. આ ઉપરાંત, પ્રસ્તાવિત 80 મીટરના રિંગરોડને બિનજરૂરી ગણાવી તેને તાત્કાલિક રદ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિકોના હિતોને ધ્યાનમાં લીધા વિના જ આ પ્લાન થોપી દેવામાં આવ્યો છે.
રાજકીય પક્ષો માટે નો-એન્ટ્રી અને મતદાનનો ત્યાગ
ચૂંટણી બહિષ્કારના મક્કમ નિર્ણયને પગલે તાવડીયા ગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે, "જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને પ્લાનમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે, ત્યાં સુધી ગામનો એક પણ વ્યક્તિ મતદાન મથક સુધી નહીં જાય." રાજકીય પક્ષોના કાર્યકરોને પ્રચાર માટે ગામમાં પ્રવેશ ન કરવા તાકીદ કરાઈ છે, જેને કારણે ઉમેદવારોની ચિંતામાં પણ વધારો થયો છે.