April 5, 2026
ગુજરાત

અમદાવાદની S.P. ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર, સ્ટર્લિંગ હોસ્પિટલમાં સવારથી દોડધામ

01:46:00 PM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદની S.P. ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર, </strong></span>સ્ટર્લિંગ હોસ્પિટલમાં સવારથી દોડધામ</p>

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એસ.પી. ગર્લ્સ હોસ્ટેલમાં રવિવારે ફૂડ પોઈઝનિંગની એક મોટી અને ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં હોસ્ટેલમાં રહેતી કુલ 60 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક લથડી હતી. આ તમામ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર અર્થે શહેરની જાણીતી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમનો ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં શનિવારે સાંજે ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓને તકલીફ શરૂ થઈ હતી.

શરૂઆતમાં બે-ચાર યુવતીઓને પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ હતી, પરંતુ રાત પડતા સુધીમાં આ સંખ્યા સતત વધતી ગઈ હતી. રવિવારે સવાર સુધીમાં 60 જેટલી દીકરીઓની હાલત બગડતા હોસ્ટેલ મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી અને તમામને હોસ્પિટલ ભેગી કરવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલી વિદ્યાર્થીનીઓમાં ઝાડા અને ઉલટીના સામાન્ય લક્ષણોની સાથે કેટલાક ગંભીર કેસો પણ જોવા મળ્યા છે.

કેટલીક વિદ્યાર્થીનીઓને અત્યંત ભારે તાવ અને સતત વોમિટિંગ થઈ રહી છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે કેટલીક યુવતીઓનું બ્લડ પ્રેશર સતત ફ્લક્ચુએટ એટલે કે વધ-ઘટ થઈ રહ્યું છે, જેને પગલે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં આ તમામ 60 વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે. જે વિદ્યાર્થીનીઓની હાલત વધુ નાજુક છે, તેમને તાત્કાલિક ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. બાકીની યુવતીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે અને તેમને જરૂરી દવાઓ તથા ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં આ કેસ ફૂડ પોઈઝનિંગનો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. હોસ્ટેલના ભોજનમાં વપરાયેલી સામગ્રી અથવા પાણીમાં ખામી હોવાની આશંકા સેવાઈ રહી છે. આગામી સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડામાંથી ભોજનના નમૂના લેવામાં આવશે. આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓના વાલીઓમાં પણ ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.