AMC ચૂંટણીમાં ભડકો: કોંગ્રેસના મોહમ્મદ નાસિર શેખે પદ છોડ્યું, જૂથબંધીનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી વિભાગના ઉપપ્રમુખ મોહમ્મદ નાસિર શેખે આજે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે રાજીનામા પત્રમાં AMC ચૂંટણીની ટિકિટોના વેચાણ અને ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સણસણતા આક્ષેપો કર્યા છે. નાસિર શેખે તેમના રાજીનામામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, દરિયાપુર વોર્ડમાં પૂર્વ ધારાસભ્યના પ્રભાવ હેઠળ રહીને ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ પૂર્વ ધારાસભ્યના ઈશારે કાર્ય કરી રહ્યું છે અને પક્ષના પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દરિયાપુર વોર્ડ માટે પૂર્વ ધારાસભ્ય દ્વારા પક્ષની સત્તાવાર મંજૂરી વગર જ પોતાની મનગમતી પેનલ જાહેર કરી દેવામાં આવી હોવા છતાં પ્રદેશ નેતૃત્વ દ્વારા કોઈ જ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબત પક્ષના શિસ્ત અને સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. મોહમ્મદ નાસિર શેખે ચેતવણી આપી છે કે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
તેમની સામે સ્થાનિક લોકોમાં ભારે વિરોધ અને નારાજગી પ્રવર્તી રહી છે. પૂર્વ ધારાસભ્યના વ્યક્તિગત હિતો ખાતર પક્ષના હિતોને જોખમમાં મુકવામાં આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે.AMC ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માઈનોરિટી વિભાગના આટલા મોટા ગજાના નેતાના રાજીનામાથી અમદાવાદ કોંગ્રેસમાં જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. આ રાજીનામાની અસર દરિયાપુર સહિત અન્ય વોર્ડની ચૂંટણી પ્રક્રિયા અને પરિણામો પર પડવાની શક્યતા છે.