શું IPL 2026 શમીની છેલ્લી સીઝન હશે? નિવૃત્તિની અટકળો પર ફાસ્ટ બોલરે આપ્યું સણસણતું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાક સમયથી ઈજા અને ટીમમાં પસંદગીને લઈને ચર્ચામાં છે. ઘરેલું ક્રિકેટમાં શાનદાર 67 વિકેટ ઝડપવા છતાં ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા ચાહકોમાં સવાલ હતો કે શું શમી હવે નિવૃત્તિ લેશે? IPL 2026 ની વચ્ચે મોહમ્મદ શમીએ એક પોડકાસ્ટમાં આ તમામ અટકળો પર વિરામ મૂકતા પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો છે. સંન્યાસ અંગે દિલ ખોલીને વાત કરતા શમીએ જણાવ્યું કે, જ્યારે મને લાગશે કે હવે મારું મન રમતમાં નથી લાગતું, ત્યારે જ હું ક્રિકેટને અલવિદા કહીશ.
જે દિવસે મને સવારે ઉઠીને મેદાન પર જવા માટે આળસ કે કંટાળો અનુભવાશે, તે જ ક્ષણે હું નિવૃત્તિ જાહેર કરી દઈશ. શમીએ સ્પષ્ટ કર્યું કે અત્યારે તે રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે અને તે ન તો થાક્યો છે કે ન તો કંટાળ્યો, શમીએ માનસિક પાસા પર ભાર મૂકતા કહ્યું કે, રિટાયરમેન્ટ વિશે વિચારવું એ ખેલાડીને નીચે ખેંચવા સમાન છે. જો તમારા મનમાં સંન્યાસનો વિચાર આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે પહેલેથી જ થાકી ગયા છો અને તમારું પ્રદર્શન ડાઉન થઈ જશે.
હાલમાં તેની લય શાનદાર છે અને તે ભવિષ્ય વિશે અત્યંત સકારાત્મક છે. IPL 2026 માં મોહમ્મદ શમી લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતા જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ તેના પર ₹10 કરોડનો મોટો દાવ ખેલ્યો છે. શમીએ કહ્યું કે, જો ટીમે તેના પર આટલો મોટો ભરોસો મૂક્યો છે, તો તે મેદાન પર પોતાનું 100 ટકા યોગદાન આપવા કટિબદ્ધ છે. તેના માટે નસીબ કરતા વધુ મહત્વનું દ્રઢ નિશ્ચય અને આત્મસંતોષ છે. જોકે, શમી માટે ટીમ ઈન્ડિયાના દરવાજા હાલ મુશ્કેલ દેખાય છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગીકારોએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે કેટલીક સ્થિતિઓને કારણે અસમર્થતા દર્શાવી હતી. તેમ છતાં શમી હાર માનવા તૈયાર નથી. તેનું માનવું છે કે તેનું કામ માત્ર પ્રદર્શન કરવાનું છે અને બાકીનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ પર છોડવો જોઈએ. મોહમ્મદ શમીના આ 'સણસણતા' નિવેદન બાદ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો હવે એ જોવા આતુર છે કે શમી IPL 2026 માં લખનૌ તરફથી કેવો તરખાટ મચાવે છે અને ફરી એકવાર બ્લુ જર્સીમાં વાપસી કરે છે કે નહીં.