"શું 130 વિકેટ ઓછી છે" મોહમ્મદ શમીએ પસંદગીકારોની બેવડી નીતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલ?
ભારતીય ક્રિકેટ ટીમના સ્પીડસ્ટર અને વનડેના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીએ વ્હાઇટ બોલ ક્રિકેટમાં પોતાની સતત થતી અવગણના સામે મૌન તોડ્યું છે. એક તાજેતરના પોડકાસ્ટમાં શમીએ પસંદગીકારો અને ક્રિકેટ સિસ્ટમ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 5-6 વર્ષમાં શાનદાર પ્રદર્શન અને વિકેટોની હેટ્રિક હોવા છતાં તેને T20 ફોર્મેટ માટે લાયક ગણવામાં આવતો નથી, જે અત્યંત દુખદ છે. શમીએ આક્રમક અંદાજમાં સવાલ ઉઠાવ્યો હતો કે, છેલ્લા 5-6 વર્ષનો રેકોર્ડ ઉઠાવીને જોઈ લો. મેં આ સમયગાળામાં લગભગ 130 જેટલી વિકેટો ઝડપી છે.
જો કોઈ ભારતીય બોલર મારા આ આંકડાની આસપાસ પણ હોય, તો મને જણાવો. આટલું પ્રદર્શન કર્યા પછી પણ મને T20 બોલર કેમ નથી માનવામાં આવતો? એક બોલર પાસે તમે આનાથી વધુ શું અપેક્ષા રાખો છો? પોડકાસ્ટ દરમિયાન જ્યારે હોસ્ટે પૂછ્યું કે, "શું તમે PR પાછળ પૈસા ખર્ચ નથી કરતા એટલે તમારી અવગણના થાય છે?" ત્યારે શમીએ સૂચક જવાબ આપતા કહ્યું, "કદાચ હોઈ શકે છે." શમીના આ ટૂંકા જવાબે ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે કે શું ટીમમાં સ્થાન મેળવવા માટે મેદાન પરના પર્ફોર્મન્સ કરતા સોશિયલ મીડિયા અને PR મેનેજમેન્ટ વધુ મહત્વનું બની ગયું છે?
નોંધનીય છે કે, મોહમ્મદ શમીએ ભારતને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે ટુર્નામેન્ટમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. આમ છતાં, તેને એશિયા કપ કે આગામી T20 વર્લ્ડ કપના સ્ક્વોડમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જે પસંદગીકારોની નીતિ સામે આંગળી ચીંધે છે. શમીના આ સનસનીખેજ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો શમીને સપોર્ટ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વધતી ઉંમર અને ફિટનેસના પાસાને ધ્યાનમાં રાખવાની સલાહ આપી રહ્યા છે.